ડીસામાં શુક્રવારે ભાજપ, વહિવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જન સુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો, કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાઓના પ્રશ્નોની રીતસરની ઝડી વરસાવી હતી. શહેરી વિસ્તારમાં ટ્રાફિક, ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ઝડપથી ખાતરી આપી હતી. જોકે, જો પ્રશ્નો નહીં ઉકેલાય તો જન સુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું.

ડીસા પાલિકાના સભાગૃહમાં શુક્રવારે ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો, સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચાતો હોવાની ધારદાર રજૂઆત કરી હતી. જ્યારે ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ, ગટર, રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેકટરે સંબંધિત અધિકારીઓ પાસે તેના જવાબ રજૂ કરાવી તે પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.

આ અંગે જીલ્લા પંચાયત સદસ્ય ડો.રાજાભાઇ ચૌધરીએ ઝેરડા જીઈબી કચેરી સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઝેરડા કચેરી દ્વારા વર્ષ 2023માં રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. નાયબ કલેક્ટરે ઝેરડા વીજ કંપનીના નાયબ ઇજનેરને લોકોની આટલી રજૂઆતો હોવા છતાં કંઈ કામ થતું ન હોવાથી તે યોગ્ય નથી તેમ કહી જાહેરમાં ખખડાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ અધવચ્ચેથી કાર્યક્રમમાં આવી ડીસા શહેરમાં આડેધડ ઉભા થઈ રહેલા બાંધકામો અને ગેરકાયદેસર દબાણ અંગે પાલિકાના ચીફ ઓફિસર તેમજ જુનિયર ટાઉન પ્લાનરને રીતસરના આડેહાથ લીધા હતા.