ડીસા પાસે બનાસ નદીમાં આવેલી લીઝોમાંથી રેતી ભરીને જતા વાહનો રોડ પર નહિ ચલાવવા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરતા મોટાભાગની લીઝો બુધવારે બંધ રહી હતી.

બનાસકાંઠા જીલ્લાના ડીસા પાસે બનાસ નદીમાં જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી લીઝોમાંથી સાદી રેતીનું વાહન ડમ્પર ટ્રેલર, ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે ભડથ, રાણપુર અને છત્રાલા જુનાડીસા વાળા રોડ પર રેતીના વાહનોની વધુ અવર-જવર હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર વરુણકુમાર વરનવાલે જાહેરનામું પ્રસિદ્ધ કરી રાણપુર, ભડથની ગાડીઓ નદીના કિનારે થઈ આખોલ પાસે નેશનલ હાઇવે નીકળવા તેમજ જૂનાડીસા, વાસણા, દશાનાવાસ, સદરપુર, ઝાબડીયા તરફની લીઝના વાહનો નદીના ભેખડે થઈને ભીલડી નેશનલ હાઇવે 27 પર અથવા જુનાડીસા રેલવે ફાટક પાસે હાઇવે પર ચડે તે રીતે ચલાવવા અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરેલું.

જાહેરનામું બે માસ એટલે કે 31 ઓગસ્ટ સુધી પાળવામાં આવ્યું છે. જોકે અગાઉ પણ બે માસનો જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ડીસાના આખોલ ભડથ, રાણપુર અને છત્રાલા,જુનાડીસા વિસ્તાર જાહેરનામા બાદ લીઝો બંધ રહેતા રેતી ભરવા આવેલા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સાથે લીઝો બંધ રહેતા સરકારને રોયલ્ટીની આવકમાં પણ મોટુ નુકશાન થઈ રહ્યું છે.