ઠાસરાના પાંડવણીયા ગામમાં યુવકે આડા સંબંધ માટે ત્રાસ આપ્યો

(અહેવાલ તસવીર સંજય ચુનારા ખેડા)

પાંડવણીયા ગામમાં યુવકના ત્રાસથી પરિણીતાનો આપઘાત

2 સંતાનની માતાએ યુવકની ધમકીથી ત્રસ્ત થઈ જીવન ટુંકાવ્યું

ઠાસરાના પાંડવણીયા ગામમાં રહેતા 44 વર્ષિય બે સંતાનની માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મહિલાને યુવાન સાથે આડા સંબંધ બંધાતા જેની જાણ પતિને થતા પતિએ મહિલાને સમજાવી આડા સંબંધ પર પૂર્ણ વિરામ મૂકાવ્યો હતો. પરંતુ યુવાને મહિલાને હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. આટલે થી વાત ન અટકતા આડા સંબંધ રાખવા યુવાન મજબૂર કરતો અને ધમકાવીને કહ્યું 'કાં તો મારી સાથે સંબંધ રાખ કાં તો મરી જા', જેથી યુવાનના ત્રાસથી મહિલાએ એસીડ પી મોત વ્હાલ કર્યું છે.

ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામે ખ્રિસ્તી ફળીયામા રહેતા 51 વર્ષિય પ્રવિણભાઈ અંબાલાલ પોતે ઓટો રીક્ષા ડ્રાઈવીંગ કરે છે. મોટેભાગે તેઓ વડોદરા શહેરમાં રીક્ષા ફેરવે છે. તેમને સંતાનમાં બે દીકરાઓ છે જે પૈકી એક યુવા અવસ્થામાં તો અન્ય કિશોર અવસ્થામાં છે. નાનો દીકરો સ્કૂલે હોય તો મોટો દીકરો કોલેજમા હોય આ પ્રવિણભાઈની પત્ની કપીલાબેન (ઉ.વ.44) આખો દિવસ ઘરે એકલા જ હોય છે. ગયા જાન્યુઆરી માસમાં પ્રવિણભાઈને નવું મકાન બનાવવાનું હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ગામમાં અન્ય જગ્યાએ સ્થાઈ થયા હતા. દરમિયાન મકાન માલિકની પત્નીએ આ પ્રવિણભાઈને કહ્યું કે, તમારી ગેરહાજરીમાં ગામમાં રહેતા હેમંત વીલીયમભાઈ (ઉ.વ.આ.32 રહે.- ખ્રિસ્તી ફળીયુ, પાંડવણીયા) તમારી પત્નીને મળવા માટે ઘરે આવે છે. તેઓ બન્ને વચ્ચે આડા સંબંધ છે. આ રીતેની વાત પ્રવિણભાઈને કરી હતી. જેથી પ્રવિણભાઈએ આ બાબતે પોતાની પત્ની કપીલાને પુછતા તેણીએ આવુ કાંઈ નથી તેમ કહ્યું હતું. પ્રવિણભાઈના મકાનનું કામ પુરુ થતાં પોતાના મકાનમાં રહેવા ગયા હતા.

દરમિયાન તેઓ જ્યારે વડોદરાથી સાંજે પરત આવે ત્યારે આ હેમંત વીલીયમભાઈને પોતાના ઘરમાંથી બહાર નીકળતા જોતા હતા. આજથી આશરે પંદરેક દિવસ પહેલાં પ્રવિણભાઈ વડોદરા ખાતે ધંધા અર્થે ગયેલ નહીં અને તેમના ઘરે હાજર હતા ત્યારે બપોરના આશરે બે વાગે હેમંત અચાનક તેમના ઘરમાં આવી ચઢ્યા હતા. જેથી પ્રવિણભાઈએ આ હેમંતને કહ્યું કે તમે મારા ઘરે શુ કામ આવો છો ? તેવો ઠપકો આપતા આ હેમંતએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.

આ બાબતે ડાકોર પોલીસમાં સામસામે અરજી અપાઈ હતી. જોકે સમાજના અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ આ પ્રવિણભાઈએ પોતાની પત્ની કપિલાને સમજાવી આ પ્રકારના સંબંધ રાખવા યોગ્ય નથી. જેથી કપીલાબેને આ સંબંધ પર હુ પૂર્ણવિરામ મુક્યો હતો. જે વાત આડા સંબંધ રાખનાર હેમંતને ગમી નહોતી અને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતુ. જેથી ડરી ગયેલા કપિલાબેને ગત 25 જુનના રોજ પોતાના ઘરમાં રાખેલ એસીડ ગટગટાવ્યું હતું. આ બાબતની જાણ પ્રવિણભાઈને થતા તેઓ તુરંત ઘરે આવી પોતાની પત્નીને નજીકના હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે નડિયાદ તે બાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કપિલાબેનનુ મોત નિપજ્યું હતું. - પરંતુ આ પહેલા કપીલાબેને પોતાની આપવીતી પોતાના પતિ પ્રવિણભાઈને જણાવી અને આ આડા સંબંધ રાખવા મજબુર કરનાર હેમંતના કારણે અ આ પગલું ભર્યું હોવાની હકીકત જણાવી હતી. આથી આ બનાવ મામલે પ્રવિણભાઈ અંબાલાલએ પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવા મજબુર કરનાર હેમંત વિલીયમભાઈ વિરૂધ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે 

જે ફરિયાદ આધારે પોલીસે દુષ્પ્રરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી હેમંત મહિલાના પતિની ગેરહાજરીમાં અવાર-નવાર ઘરે આવતો હતો. અને કપીલાબેનને કહેતો કે, 'તું તારા પતિથી ડરી ગયેલ છે. પરંતુ, તારે ડરવાની જરૂર નથી. હું તારી સાથે જ સંબંધ રાખીશ તારે પણ મારી સાથે સંબંધ રાખવા પડશે, કાં તો તું મારી સાથે સંબંધ રાખ કાં તો મરી જા' તે રીતેની ધમકી હેમંત વણકરે આપી હતી. તે બાબતની જાણ કપીલાબેને પોતાના પતિ પ્રવીણભાઈને પણ કરી હતી. જોકે પ્રવિણભાઇ આશ્વાસન આપતા આમ છતા આ હેમંતે તેણીને હેરાન પરેશાન કરવાનુ ચાલુ રાખ્યું હતું.