થરાદ-સાંચોર હાઇવે પીલુડા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર અને મોટર સાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં મોટર સાઈકલ ચાલક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેમાં સૌથી વધુ બનાવો સાંચોર હાઇવે પર બનતાં હોય છે. આજે થરાદના પીલુડા મેસરા વચ્ચે ટ્રેક્ટર અને મોટર સાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં મોટર સાઈકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકચાલક બાઈક સહિત ટ્રેક્ટરના આગળના વ્હીલમાં ચગદાઈ ગયો હતો. બાઈકચાલકનું માંથુ ફાટી જતાં રસ્તા પર લોહીના રેલે રેલા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, થરાદ સાંચોર ભારતમાલા હાઇવેના સર્વિસ રોડ પર પીલુડા અને મેસરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીલુડા બાજુથી જતાં ટ્રેક્ટરમાં મેસરા બાજુથી આવતી મોટર સાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં મોટર સાઈકલ લઇને આવતાં મેસરા ગામના દશરથભાઈ છગનભાઈ દેસાઈનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 108 ને જાણ કરતાં 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવને પગલે પંથકમાં ભારે શોક છવાયો હતો.