ડીસાની શ્રીપાલ સોસાયટી નજીક ડીપી પાસે પુલ નીચે સોમવારે સરકારી દવાનો જથ્થો મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઇ હતી. જોકે, આ દવાનો જથ્થો એકસપાયરી હોવાનું જણાયું હતું. જ્યાં આરોગ્ય અધિકારી દવા ફેંકનારા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોધવવા ગયા હતા. જોકે, પોલીસે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી શખ્સને શોધી લાવો કે ફૂટેજ લાવો પછી ફરિયાદ નોંધવાનું કહી અરજી લેતાં મામલો ગરમાયો હતો.
ડીસાની શ્રીપાલ સોસાયટી નજીક ડીપી પાસે પુલ નીચે સોમવારે દવાનો જથ્થો પડેલો હોવાની જાણ થતાં આરોગ્યની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. આ અંગે ઇન્ચાર્જ અર્બન હેલ્થ ઓફિસર ડો. નિષર્ગ જોષીએ જણાવ્યું હતું કે, સ્થળ ઉપર તપાસ કરતાં સરકારી દવાનો જથ્થો જણાયો હતો. જે એક્ષપાયર થયેલો હતો. જોકે, દવા નાંખનારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે અધિકારીએ ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી શખ્સના સીસીટીવી ફૂટેજ કે અન્ય રીતે શોધીને લાવો પછી ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતુ.જોકે,અરજી લીધી હતી.
નોંધનીય છે કે, સરકાર દ્વારા ડીસા શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં આવેલા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે અને પુરતી દવાઓ નો જથ્થો પુરો પાડવામાં આવે છે. જોકે, કેટલાક પીએસસીઓ, સબ સેન્ટરોમાં સ્ટાફ દ્વારા આવી દવાઓ આપવામાં આવતી નથી. જે એક્ષપાયર થઇ જાય એટલે તંત્રથી બચવા માટે જાહેરમાં ફેંકી દેવામાં આવતી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.
ડીસા અથવા તો આજુબાજુના ગ્રામિણ વિસ્તારમાં આવેલા પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ પ્રકારની એક્ષપાયર થયેલી ટેબ્લેટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે.