વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક, લોકોનો ગુસ્સો જોતા MGVCLનો નિર્ણય, રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક, લોકોનો ગુસ્સો જોતા MGVCLનો નિર્ણય

વડોદરા બાદ રાજ્યના અનેક શહેરોમાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો વિવાદ ઉભો થયો છે. લોકોના ભારે વિરોધને જોતા વડોદરા બાદ ગોધરામાં MGVCLએ સ્માર્ટ મીટર લગાવવા પર હાલ પુરતી બ્રેક લગાવી દીધી છે.ફરીયાદી ગ્રાહકને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરશે. સામેથી અરજી કરનાર સોસાયટીમાં જ હાલ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આડેધડ લોકોના નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ MGVCLએ નિર્ણય કર્યો છે.

કંપની પાસે એક લાખ સ્માર્ટ મીટરોનો સ્ટોક

મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટર લગાવવામાં સૌથી આગળ છે અને કંપની પાસે હાલના તબક્કે એક લાખ સ્માર્ટ મીટર આવી ગયા છે. જેના કારણે પણ વીજ કંપની મીટરો લગાવવાની ઉતાવળ કરી રહી છે તેવુ મનાઇ રહ્યુ છે. કંપની પાસે રોજ 1000થી 1500 સ્માર્ટ મીટરો લગાવવાની ક્ષમતા હોવાનો દાવો પહેલા પણ થઇ ચૂક્યો છે.

ગોધરામાં સ્માર્ટ મીટરના વિરોધ માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું

પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં MGVCL દ્વારા જૂના વીજ મીટર બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો પહેલા કરતાં વધુ વપરાશના બિલો આવતાં અને રીચાર્જ પતી જાય તો વીજ કનેક્શન કપાઇ જતું હોવાથી સમગ્ર જિલ્લામાં લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારમાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જ્યાં પણ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરમાં વપરાશ કરતાં વધારે યુનિટ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની અને ચારથી પાંચ દિવસના 500થી 700 રૂપિયા કપાઇ જતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. ગોધરાની જનતાએ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં લોકોએ બોલાવી હતી રામધૂન

વડોદરામાં પણ સ્માર્ટ મીટર સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો. સમા વિસ્તારના રહેવાસીઓનો રોષ સ્માર્ટ મીટરના વિરોધમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો અને લોકોએ કચેરી માથે લીધી હતી. આ દરમિયાન લોકોએ એમજીવીસીએલ અને સરકાર હાય..હાયના નારા લગાવ્યા હતા. સાથે જ ત્રણ દિવસમાં નવા મીટરો કાઢવામાં ના આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.