લોકસભા સામાન્ય ચૂંટણી -2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કાલોલ તાલુકામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર તાલુકામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે કાલોલમાં મતદાન જાગૃત્તિ માટે બાઈક રેલી યોજાઈ હતી. જેમાં શાળાના શિક્ષકો અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. શહેરની મામલતદાર કચેરીથી આ રેલીએ પ્રસ્થાન કર્યું હતું.મામલતદાર વાય.જે.પુવાર,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ડી.વી.ભમાત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર,બીટ કેળવણી નિરીક્ષક ગૌરાંગ જોશી અને સુભાષભાઈ પટેલ દ્વારા બાઇક રેલીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું.
મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ રેલીમાં જોડાયેલા તમામ વાહનો પર મતદાન જાગૃતિના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા હતા.આ રેલી કાલોલ શહેરમાં મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવતી જોવા મળી હતી. આ રેલીમાં પુરૂષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી.