ડીસાના જુનાડીસા પાસે ખેતરમાં ફરતે તારમાં લગાવેલ વીજ કરંટથી કિશોરનું મોત થવા મામલે ખેતર માલીક અને ભાગીયા સામે માનવવધની ફરિયાદ નોંધાઇ છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલ બંને શખ્સોની ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડીસાના જુનાડીસા રાજપૂર રોડ પર નલિન ગોવિંદભાઇ પરમાર ખેતી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને પરિવારમાં એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહે છે. ત્યારે બે દીવસ અગાઉ નૈતિક સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે ખેતરમાં રમી રહ્યો હતો. ત્યારે બાજુમાં આવેલ ખેતર માલિક હીરાભાઈ પીતામ્બરભાઈ માળીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા રમેશભાઈ નેનુરામ માળીએ ખેતરમાં જંગલી પશુઓ નીલગાય કે ભૂંડ પ્રવેશના કરે તે માટે ઝટકા મશીન લગાવવાના વાયરમાં વીજ લાઈનના બોર્ડમાંથી સીધો વાયર લગાવી દીધો હતી.

જે વીજ ઝટકામાં હેવી વીજ પુરવઠો હોઈ ત્યાં રમી રહેલ નૈતિક માળી તારને અડી જતા કરંટ લાગતા જ તે વીજ લાઈનને ચોંટી ગયો હતો. આ ઘટનામાં નૈતિક વીજ લાઈનને ચોંટી ગયેલ જોતા જ પરીવારજનો બુમાબુમ કરી લાઈન બંધ કરાવી તેને તાત્કાલીક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નૈતિકનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ કરતા પોલીસે લાશને પીએમ રૂમમાં ખસેડ્યા બાદ ઘટનાસ્થળે જઈ તપાસ કરી હતી. જ્યાં ગંભીર બેદરકારી દાખવનાર ખેતર માલિક હીરાભાઈ પીતામ્બરભાઈ માળી તેમજ ભાગીયા રમેશભાઈ નેનુરામ માળી સામે માનવવધનો ગુનો નોંધ્યો હતો.

આ અંગે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીએ જણાવ્યું હતું કે, ખેતરને ફરતે તારમાં ઝટકા મશીન લગાવ્યા વગર સીધું જ વીજ કનેક્શનમાં વાયર લગાવી દઇ બેદરકારી કરેલ છે. જે ગંભીર બાબત છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેડૂતોને અપીલ છે કે પોતાના પાક રક્ષણ માટે હેવી વીજલઈનનો ઉપયોગ ના કરે અને આવા લોકો સામે વીજ કંપનીએ પણ તપાસ કરી કડક બનવું જોઈએ.