ધ્રાંગધ્રાની શાસનદેવ કોટન કંપનીએ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક ધ્રાંગધ્રામાંથી રૂા.૧ કરોડની લોન લીધી હતી .પરંતુ કંપની દ્વારા લોન સમયસર ભરપાઈ ન કરી શકતા બેન્કના બોર્ડ દ્વારા કંપની સામે કાર્યવાહી કરતા દંડ તેમજ પેનલ્ટીની રકમ ભરવા કંપની સંમત થયા હતા. કંપની દ્વારા લોન પેટેની અમુક રકમ ભર્યા બાદ બેન્ક દ્વારા બાકીની રકમની કડક ઉઘરાણી કરતા કંપનીના માલીક સહિતનાઓ દ્વારા બાકીની રકમ પણ ભરી દેવામાં આવી હોવાનું અને બેન્ક દ્વારા નો-ડયુ સર્ટીફીકેટ પણ આપી દીધું હોવાનું જણાવ્યું હતું. આથી આ લેવડ-દેવડ અંગેની ફાઈલ બેન્કના સત્તાધીશોના તપાસ કરતા મળી આવી નહોતી અને વધુ તપાસ કરતા ડિસ્પોઝલ ફાઈલોના પોટલામાં સંતાળેલી હાલતમાં મળી આવી હતી. આ ફાઈલોમાંથી કંપનીએ પુરતી રકમ ન ભરવા છતાંય તત્કાલીન બેન્ક મેનેજર પ્રાગજીભાઈ મારવીએ કોટન કંપનીને આપેલ નો-ડયુ સર્ટીફીકેટ પણ મળી આવ્યું હતું . જે બેન્કના સત્તાધીશોએ તમામ રેકર્ડ, ઓડીટ, સ્ટેટમેન્ટ મેળવતા અંદાજે રૂા.૨૪,૧૧,૫૯૧.૨૦ની ઘટ પડતા કૌભાંડી તત્કાલીન મેનેજર પ્રાગજીભાઈ મારવીએ બેન્કમાં રકમ જમા લીધા વગર નો-ડયુ સર્ટીફીકેટ આપી દીધું હોવાનું સામે આવતા પીપલ્સ બેન્કના મેનેજર ગૌતમભાઈ મણીયારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં હાલના સંસ્કારધામ ગુરૂકુળ ધ્રાંગધ્રાના ટ્રસ્ટી અને બેન્કના પૂર્વ મેનેજર પ્રાગજીભાઈ મારવી તેમજ શાસનદેવ કોટન કંપનીના માલીક પંકજભાઈ ચંદુલાલ શાહ રહે.જીનતાન રોડ, સુરેન્દ્રનગરવાળા સામે ફાઈલ સંતાળી બેન્કમાં રકમ જમા નહિં કરવા છતાંય નો-ડયુ સર્ટીફીકેટ આપતા રૂા.૨૪,૧૧,૫૯૧.૨૦ કૌભાંડ આચર્યાની ધ્રાંગધ્રાના સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સીટી પીએસઆઈ ચલાવી રહ્યાં છે.જ્યારે આ મામલે ધ્રાંગધ્રા ૫ીપલ્સ બેન્કના ચેરમેન ભરતભાઈ ગજ્જરના જણાવ્યા મુજબ પીપલ્સ બેન્કના પૂર્વ મેનેજર પ્રાગજીભાઈ મારવીના કાર્યકાળ દરમ્યાન એક કંપનીની લોનની ફાઈલમાં અંદાજે રૂા.૨૪ લાખની ઉચાપત સામે આવતા હાલ ફરિયાદ નોંધાવી છે .જ્યારે બીજી ફાઈલમાં પણ ગેરરીતી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને તે બાબતની હાલ તપાસ શરૂ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારધામ ટ્રસ્ટ દ્વારા ગ્રીન ઝોનમાં વગર મંજુરીએ ગેરકાયદેસર બાંધકામ કરતા પાલિકાએ નોટીસ પાઠવી કામ બંધ કરાવ્યું હતું .તેમજ અગાઉ જોગાસર તળાવના ઈતિહાસ સાથે સ્ટેટનું ખોટો ઈતિહાસ જોડી દીધા બાદ કોર્ટમાં ફરિયાદ થતાં આ ટ્રસ્ટના રામસ્વામીએ માફી માંગી પત્રિકા વહેંચી રદ્દીયો પણ આપ્યો હતો ત્યારે હવે આજ ટ્રસ્ટના પ્રાગજીભાઈ મારવી દ્વારા રૂા.૨૪ લાખનું પીપલ્સ બેંક કૌભાંડ સામે આવ્યું છે .ત્યારે ટ્રસ્ટમાં પણ આ કૌભાંડી દ્વારા કરાયેલ વ્યવહારની તપાસ કરવામાં આવે તો ત્યાં પણ અનેક કૌભાંડ બહાર આવી શકે છે.