ડીસા તાલુકાના જુનાડીસા ગામે બાંધકામ સાઈટના ફોટા ન્યૂઝ પેપરમાં છાપી બદનામ કરવા તેમજ પૈસાની માંગણી કરાઈ હોવાનો ગુનો બિલ્ડીંગ મટીરીયલ સપ્લાય કરતા વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવ્યો હતો. જેમાં પોલીસે પિતા અને બે પુત્રો સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા મોઈનખાન સલીમખાન સિંધી બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયની કામગીરી કરે છે. જેઓ ગામના બિલ્ડર મહંમદ હનીફ અબુબકર મેમણની પાટણ હાઈવે પર તમન્ના ટાઉનશિપ નામે બાંધકામની સાઈડ પર બિલ્ડીંગ મટીરીયલ સપ્લાય કરે છે. થોડા દિવસો અગાઉ તેઓ સાઇટ ઉપર ઉભા હતા તે સમયે જુનાડીસા ગામના વસીમ ચાવડાએ આવી બાંધકામ સાઈટના ફોટા પાડી તેઓની પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે તે સમયે તેઓને 25000 રૂપિયા આપ્યા હતા. પરંતુ વસીમને વધુ પૈસા ન આપતા બાંધકામ સાઈટના ફોટા પેપરમાં છાપી તેઓની બદનામી કરી હતી.
ત્યારબાદ મોઈનખાન તેઓના સબંધી સાથે ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં વસીમ ચાવડા, મહમદઅલી ચાવડા, મોસીન ચાવડા તેમજ અન્ય ત્રણ શખ્સોએ મળી બાકીના પૈસા આપવા બાબતે બોલાચાલી કરી બદનામ કરવાની ધમકી આપતા તેઓએ તમામ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.