ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણી માટે ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓમેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે. ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતોને 3,800 લાખ રૂપિયાનો લાભ થશે.
બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને તેના કારણે પાણીના તળ પણ દિવસને દિવસે ઊંડા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે નામના નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી ખેતીની શરૂઆત કરી હતી.
જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો. ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં 200 થી પણ વધુ ખેત તલાવડી બની છે. જેમાં કરોડો લિટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે.
ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. જે બાબત ધ્યાને આવતા જ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ અભિયાનને વેગ આપવા માટે સરકારમાં રજૂઆત કરી અને ત્યારબાદ સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને જીઓમેમ્બ્રેન આપવાની યોજના બનાવી. જે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ 3800 લાખ રૂપિયાની ફાળવણી કરી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે. જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી આ યોજનાનો પ્રારંભ થયો છે.