ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ બાવળી રોડ પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોંઢ ગામે રસોઇના કામ માટે જતાં પિતા-પુત્રને ઈજા પહોંચતા પિતાનું મોત નિપજ્યું હતુ. જ્યારે પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા વાસુદેવભાઇ ઘનશ્યામભાઇ ધોરાલીયાના પિતા ઘનશ્યામભાઇએ કોંઢ ગામે લગ્નમાં રસોઇનું કામ રાખેલું હોય ઘનશ્યામભાઇ તેમજ પુત્ર વાસુદેવભાઇ કાર લઇ કોંઢ ગામ તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન કોંઢ-બાવળી રોડ સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલરના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ટ્રેલર ચલાવતા ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચલાવી રહેલા ઘનશ્યામભાઇનો માથાનો ભાગ કારમાં જ દબાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર વાસુદેવભાઇને પણ ઇજાઓ પહોંચી હોય તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ટ્રેલર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.