ડીસામાં ગાંધીચોક ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેરના વિકાસમાં તમામ લોકો સહભાગી બની શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે સહયોગની અપીલ કરી હતી.
ડીસામાં શાળાઓ, કોલેજ સહિત તમામ જાહેર સ્થળો પર 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માલગઢની આદર્શ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. જ્યાં નાયબ કલેક્ટર નેહા પંચાલના હસ્તે ધ્વજને સલામી આપી હતી. ગાંધીચોક ખાતે પણ નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલીકા પ્રમુખ સંગીતા દવે અને પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું વેપારીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંગીતા દવેએ રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા અદા કરનાર તમામ લોકોને યાદ કરી ડીસાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ સાથે જ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.