૭૫ મા પ્રજાસત્તાક પર્વની સંજેલી ખાતે દબદબાભેર ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોરે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવી સલામી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આપી,જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે સંજેલી તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવીને એનાયત કરાયો
સરકાર આજે લોકોની અપેક્ષાઓને ફળીભૂત કરવામાં સદાય પ્રતિબધ્ધ રહી છે મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોર
દાહોદ જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરે પ્રશસ્તિપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા,માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબ્લો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
દેશના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સંજેલી તાલુકાની શિલ્પન હાઇસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રભારી મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોરે એ રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું. ભારતની આઝાદી કાજે પોતાનુ સર્વસ્વ અર્પણ કરેલા આપણા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભ કામનાઓ પાઠવું છુંવધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું કે ચાર દિવસ પહેલા આખુ ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના બચ્ચે બચ્ચા શ્રી રામના જયઘોષ સાથે સંતુષ્ટી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શબ્દોમાં જ કહું તો, રામ એક ઊર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનુ મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે.દેશની આઝાદી માટે, દેશની આન - બાન - શાન માટે, દેશના ગૌરવ માટે, જે-જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે, ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણને મહામુલી આઝાદી અપાવી છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનૂભવી રહ્યા છીએ. સૌ આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા-બહેનો તથા તમામ સ્વાતંત્ર સેનાનીઓને આજના પ્રજાસત્તાક દિવસે હું શત - શત નમન કરું છું.
વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. તેથી જ એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. વધુમાં મંત્રી શ્રી એ ઉમેર્યું કે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “ટીમ ગુજરાતે” આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત @ ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત - ૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે.આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. આજની ગુજરાત સરકાર એ કામ કરતી સક્રીય સરકાર છે એની સૌ કોઇને પ્રતીતિ થઇ રહી છે. આપ લોકોએ આ સરકારને અઢળક આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાનો છેલ્લા સવા બે દાયકાથી અવસર પ્રદાન કર્યો છે. અને એટલે જ આ સરકાર આજે લોકોની અપેક્ષાઓને ફળીભૂત કરવામાં સદાય પ્રતિબધ્ધ રહી છે. અમે સતત લોકસેવા કરનારા લોકો છીએ. રૂકના, ઝુકના ઓર થકના હમે મંજુર નહીં હૈ. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતનાં યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને આર્થિક પીઠબળ પૂરું પાડી તેમના સપનાંઓને પાંખો આપવાનું કામ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અભૂતપૂર્વ રીતે કરી રહી છે. આજે આપણું ગુજરાત ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે.
મંત્રી શ્રી એ જણાવ્યુંકે આઝાદીના 75 વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. મોટી વિડંબણા તો એ છે કે, દેશના મહત્વના ફોજદારી કાયદાઓ અંગ્રેજોના સમયથી ચાલતા આવ્યા છે એમાં કોઇને પરિવર્તન કરવાનું સુજ્યું જ ન હતું. ખરેઅખર તો એમાં આજના સમય અનુસાર સુધારાઓની પ્રબળ જરૂરિયાત હતી. આથી જ દીર્ઘદ્રષ્ટા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જુના કાયદાઓના સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ આઈપીસી, સીઆરપીસી એન્ડ એવિડન્સ એક્ટમાં સમુચિત ફેરફારો કર્યા છે. હવે આ નવા કાયદાઓ અદ્યતન અને દૂરંદેશીપૂર્ણ, કડક પણ સુગમ્ય, સરળ પણ ન્યાયી, વ્યાપક અને બંધારણીય બનાવી શકાયા છે. જેમાં ઇન્ડિયન પીનલ કોડની સ્થાને હવે ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવશે. જ્યારે સીઆરપીસીના બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવશે. ગુજરાતમાં ખાસ મહિલા એસઆરપી બટાલિયન સ્થાપવાનો આપણે નિર્ણય કર્યો છે.મંત્રી શ્રી એ કહ્યું કે આપને જણાવતા મને આનંદ થાય છે કે, નવી દિલ્લી ખાતે આજે યોજાનારી ભવ્ય પરેડમાં ગુજરાતના કચ્છ પ્રદેશના ધોરડોની સુંદરતા અને સાંસ્ક્રુતિક વિરાસતને દેશ-વિદેશના લોકો ટેબ્લો સ્વરુપે નિહાળીને માણી શકશે. આપણા મ્રુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઇ પટેલ સ્વયં ઓનલાઇન ફરીયાદો સાંભળીને તરત જ શક્ય એટલી ત્વરાએ પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે. સામાન્ય માણસ પણ સીધો જ મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરીને તેના પ્રશ્નો રજુ કરી શકે છે. આપ સૌ જાણો છો સત્તા એ અમારા માટે જનસેવાનુ સાધન માત્ર છે. આપણે ગુજરાતના ગરીબો, વંચિતો, યુવાનો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ અને બાળકો સૌ કોઇના વિકાસ માટે ઘણું બધું કામ કર્યું છે અને હજુ પણ ઘણુ કામ નિષ્ઠાપૂર્વક કરતા રહેવાના છીએ.
આ અવસરે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા,જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન પટેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકર અમલીયાર, નિવાસી અધિક કલેકટર શ્રી અશોક પાંડોર, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી ગોહિલ, એ.એસ.પી શ્રીમતી બીશાખાજૈન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ,નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ, મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી,સરપંચ શ્રી,સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતાં. કાર્યક્રમના અંતમાં પ્રભારી મંત્રીશ્રી ડો કુબેર ડીંડોર, સહિત મહાનુભાવોના હસ્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.