ડીસામાં મિત્રો પાસેથી ઉછીના નાણા લઈ પૈસા પરત ના આપી છેતરપિંડી આચરનાર કેસમાં નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આરોપીએ બે અલગ અલગ મિત્રો પાસેથી નાણા લઈ પૈસા પરત ન આપતા બંને અલગ-અલગ કેસમાં એક જ આરોપીને અલગ-અલગ સજા ફટકારી છે.

ગોધરા ખાતે રહેતા સંજયકુમાર મણીલાલ શ્રીમાળીને તાત્કાલિક અંગત જરૂરિયાત માટે નાણાની જરૂર પડતાં તેમના ડીસા ખાતે રહેતા મિત્ર જગદીશભાઈ ઠક્કર પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને બે મહિના બાદ પૈસા પરત આપવાની શરતે તેમના મિત્રએ નાણા આપ્યા હતા. જેમાં સિક્યુરિટી પેટે સંજયભાઇએ તેમના મિત્રને ચેક પણ આપ્યો હતો. બે મહિના પૂરા થયા બાદ તેમના મિત્રએ પૈસાની ઉઘરાણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ પૈસા પરત ન આપતા આખરે કંટાળેલા તેમના મિત્રએ ચેક બેંકમાં ભર્યો હતો. જોકે, ચેક બાઉન્સ થતા તેમણે ડીસાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આ સિવાય સંજયકુમાર શ્રીમાળીએ ડીસામાં રહેતા તેમના વેપારી મિત્ર સંજયકુમાર શિવકુમાર મલકાણી પાસેથી પણ તાત્કાલિક ધંધા માટે નાણાની જરૂરિયાત ઊભી થતાં હાથ ઉછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા. 2018ની સાલમાં નાણા આપ્યા બાદ થોડા સમય પછી સંજયભાઈ મલકાણીએ વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ પૈસા આપવાની જગ્યાએ બાદમાં સંજયભાઈ શ્રીમાળીએ તેમને ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નાખતા બાઉંસ થયો હતો. આ કેસમાં પણ પૈસા આપનાર સંજયકુમાર મલકાણીએ ડીસાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આ બંને કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા અને ફરિયાદી પક્ષે વકીલ સુભાષભાઈ ઠક્કરની ધારદાર દલીલો અને સંયોગીક પુરાવાઓને ધ્યાને લઈ એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે બંને અલગ અલગ કેસમાં એક જ આરોપીને અલગ અલગ સજા કરી છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ- 255 (2) અન્વયે ધી નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુન્હા સબબ આરોપીને તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જો આરોપી 30 દિવસમાં ફરિયાદીઓને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર પેટે ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા ફટકારી છે.