ડીસાના સોતમલા પાટીયા નજીક બુધવારે મોડી રાત્રે સ્કોર્પીયો ચાલકએ આગળ જઇ રહેલી અજાણી ગાડીના પાછળ ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં સ્કોર્પીયોના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે મૃતકને ગાડીના પતરા કાપીને બહાર કઢાયો હતો.

ભુજ તાલુકાના કોટાયના ગામના મહાવીરભાઈ ધનજીભાઈ ચાડ (આહિર) (ઉં.વ.39) પોતાની સ્કોર્પીયો ગાડી નંબર જીજે-18-બીએસ-0988 લઈને તા.17 જાન્યુઆરીએ બુધવારે એકલા રાજસ્થાના માઉન્ટ આબુ જવા નિકળ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે ડીસા તાલુકાના સોતમલા પાટીયા નજીક પોતાની ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી આગળ જતા અજાણ્યા વાહનને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા ગાડી ચાલક મહાવીરભાઇ ધનજીભાઇ ચાડનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

સ્કોર્પીયો ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અંગેની જાણ ભીલડી પોલીસ સ્ટેશનમાં અને નેશનલ હાઇવે ઓર્થોરિટીને થતાં ઘટનાસ્થળે જઇને સ્કોર્પીયો ગાડીના પતરા કાપીને ગાડી ચાલક મૃતકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યામાં આવ્યો હતો. ભીલડી પોલીસે અકસ્માતે ગુનો નોંધીને મૃતદેહનું ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ.કરાવી મૃતદેહ વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. સ્કોર્પીયો ગાડીના આગળના ભાગનો ભુક્કો બોલી જતાં મૃતકને પતરૂ કાપીને બહાર કઢાયો હતો.