ભાભર મામલતદાર કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 3500 ની લાંચ લેતા ઝડપાતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. લાંચિયાકર્મી દ્વારા અરજદારની વારસાઈ અંગેની નોંધ પાકી કરી આપવા બદલ લાંચની માગણી કરી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પાટણ એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ભાભર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 3,500 ની લાંચ લેતા પાટણ એ.સી.બી. ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. જેમાં આ કામના ફરિયાદીના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારૂ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ દ્વારા ફરિયાદ પાસેથી કાચી નોંધ પાડી આપવા બદલ ચાર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. 

ત્યારબાદ પાકી નોંધ પાડવા માટે બીજા સાડા ત્રણ હજાર રૂપિયાની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરીયાદ આધારે પાટણ એ.સી.બી. એ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન કામના પરબતભાઈ રાઠોડ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર એટીવીટી મામલતદાર કચેરી ઈ-ધરા સેવા સદનમાં 3500 લાંચની માંગણી કરી અને લાંચના નાણાં સ્વીકારી લેતા સ્થળ ઉપરથી એ.સી.બી. એ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.