થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ૭ શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૨૫૦ કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૨,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી.આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ૨૫૦ કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.