રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર માલીયાસણ પાસેના ઓવરબ્રિજ પર આજે સવારે આગળ જતી બે કારને પાછળથી આવતા ડમ્પરે હડફેટે લીધા બાદ બંને કાર આગળ જતા ટોરસ ટ્રકમાં ઘુસી ગઈ હતી. તે સાથે જ પાછળથી આવતું ડમ્પર પણ બંને કાર સાથે ફરીથી અથડાતા ટોરસ ટ્રક અને ડમ્પર વચ્ચે દબાઈને બંને કારનો રીતસર બુકડો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજકોટ અને સુરેન્દ્રનગરના બે-બે મળી કુલ ૪નો ભોગ લેવાતાં તેમના પરિવારના સભ્યોમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. જયારે પાંચ જણા ઘવાતા રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે સતત ધમધમતા રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર એકાદ કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.ચાર-ચાર જણાના ભોગ લીધા બાદ ટોરસ ટ્રક અને ડમ્પરનો ચાલક પોત-પોતાના વાહનો મુકી ભાગી ગયા હતા. કુવાડવા રોડ પોલીસે બંને વાહનોના ચાલકો સામે ઈજા પામનાર યુવરાજસિંહ (ઉ.વ.૩પ)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે. સવારે ૮-૩૦ વાગ્યે સર્જાયેલા આ અકસ્માતના પગલે આસપાસનો વિસ્તાર મરણચીસોથી ગાજી ઉઠયો હતો. એટલું જ નહીં પડીકું વળી ગયેલી બંને કારમાં દબાઈ ગયેલા મૃતકો અને ઈજાગ્રસ્તોને જોઈ ત્યાં એકત્રિત લોકોને કમકમાટી છૂટી ગઈ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આસપાસના શ્રમિકોની મદદથી મહામહેનતે બંને કારના પતરા ચીરી મૃતક અને ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવવા માટે પોલીસે ક્રેઈનની મદદ પણ લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે માલીયાસણ ઓવરબ્રિજ પરથી ટોરસ ટ્રક અને તેની પાછળ બલેનો અને એસેન્ટ કાર આવતી હતી. બંને કાર પાછળ ડમ્પર આવતું હતું. જેના ચાલકે આગળ જતી બંને કારને ઠોકર મારતાં બંને કાર બરાબર તેજ વખતે અચાનક વળાંક લેનાર ટોરસ ટ્રક સાથે અથડાઈ હતી. તે સાથે જ પાછળ આવતું ડમ્પર પણ બંને કાર સાથે અથડાતા ટોરસ ટ્રક અને ડમ્પર વચ્ચે બંને કાર રીતસર સેન્ડવીચ બની દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચારના મોત નિપજયા હતા. જેમાં પાર્થ ભરતભાઈ સોલંકી (ઉ.વ.ર૦, રહે. નહેરૂનગર, પ્રાઈવેટ શેરી-ર, નાનામવા મેઈન રોડ, રાજકોટ), હિરેન વશરામભાઈ સગપરીયા (ઉ.વ.૩૭, રહે. મનહર પ્લોટ-૧૪, રાજકોટ), હેમેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ.૪૬, રહે. નવા હાઉસીંગ બોર્ડના કવાટર, મેઘાણી બાગ સામે, સુરેન્દ્રનગર) અને રાજેશ છનાભાઈ પરમાર (ઉ.વ.૪પ, રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ મનહર પ્લોટમાં રહેતા હીરેનભાઈ એસેન્ટ કારમાં મિત્ર ભરતભાઈ ખીમજીભાઈ સોલંકી, તેના પુત્ર પાર્થ, પાર્થના મિત્ર નિખીલ ગોવિંદભાઈ સાગઠીયા (ઉ.વ.ર૦, રહે. ભીમરાવ સોસાયટી, નાનામવા મેઈન રોડ) એમ ચાર જણા સાથે બીજ નીમીતે ચોટીલા દર્શન કરી રાજકોટ આવી રહ્યા હતા. જયારે બલેનો કારમાં હેમેન્દ્રસિંહ, તેના મિત્રો રાજેશભાઈ, સુરેન્દ્રનગરના જયદીપભાઈ જીતેન્દ્રભાઈ ગોસાઈ (ઉ.વ.૩૦), સોમાસરના જગદીશ ઉર્ફે જીગાભાઈ અંબારામ અખાણી (ઉ.વ.૩૦) અને સુરેન્દ્રનગરના યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૩પ) એમ પાંચ જણા રાજકોટ આવી રહ્યા હતા આ પાંચેય જણા દરરોજ બસમાં અપડાઉન કરતા હતા પરંતુ આજે જ કારમાં આવી રહ્યા હતા. એસેન્ટ કારમાં સવાર પાર્થ અને હિરેનભાઈ જયારે બલેનો કારમાં સવાર હેમેન્દ્રસિંહ અને રાજેશભાઈના ભોગ લેવાયા હતા. બાકીના પાંચ જણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી.આ અકસ્માતને પગલે સ્થળ પર કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ ડો.એલ.કે. જેઠવા અને પીએસઆઈ જે.કે. પાંડાવદરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.ભોગ બનનાર હિરેનભાઈ મનહર પ્લોટ-૧૪માં ઘર પાસે જ ખોડીયાર ઓટો નામનું ગેરેજ ધરાવે છે. સંતાનમાં એક પુત્ર છે. જયારે બીજો ભોગ બનનાર પાર્થ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા ભરતભાઈ કે જે પણ આ અકસ્માતમાં ઘવાયા છે, તેને મંગળા રોડ પર ઓટો પાર્ટસની દુકાન છે. ત્રીજા ભોગ બનનાર સુરેન્દ્રનગરના હેમેન્દ્રસિંહ રાજકોટના ગોંડલ રોડ પર ગાડીના શો રૂમમાં નોકરી કરતા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ચોથા ભોગ બનનાર જોરાવરનગરના રાજેશભાઈ રાજકોટમાં જુદી-જુદી સાઈટ પર બાંધકામને લગતું કામ કરતા હતા. તે અપરિણીત હતા.