મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવના માછીમાર સંગઠનોની સંયુક્ત બેઠક યોજાય
મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવના માછીમાર સંગઠનોની સંયુક્ત બેઠક દમણની ફિશરમેન કો-ઓપરેટિવ સોસાયટીમાં પુર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ (દાદા) નાં અધ્યક્ષસ્થાને એક મીટીંગ મળી હતી. અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ ઉપપ્રમુખ પોરબંદર જીલ્લાનાં મુકેશભાઈ પાંજરીએ જણાવેલ કે, આ બેઠકમાં ચોમાસામાં માછીમારી પરના પ્રતિબંધની મુદત ૬૧ દિવસથી વધારીને ૯૦ દિવસ કરવા, મહારાષ્ટ્ર અને ગુજરાત નો સમુદ્ર જે ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કેમિકલ કંપનીઓના કારણે ખરાબ થઈ રહ્યો છે તેમને પુનઃજીવિત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યોના માછીમારો વચ્ચેના આંતરીક વિખવાદોનું સૌહાર્દપૂર્ણ સમાધાન, ગેરકાયદે પર્સસીન નેટ ફિશીંગ, LED લાઈટ ફિશીંગ, લાઈન ફિશીંગ જેવી ગેરકાયદેસર માછીમારી કરવા બદલ આઈપીસી કલમોમાં સુધારા કરવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કડક કાયદા બનાવવા, પશ્ચિમ કિનારે આવેલા રાજ્યોનાં ઉદ્યોગોનો કચરો સમુદ્ર માં ઠાલવવાનાં અને માચ્છીમારો ને નષ્ટ કરતા પ્રોજેકટોનો સંયુક્ત રીતે વિરોધ કરીને માછીમારી માટે જોખમી પ્રોજેકટ અટકાવ્યા જેવી સમસ્યાઓના ઉકેલ માટે સંયુક્ત ફેડરેશનની રચના કરી હતી અને માછીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે રજુઆતો કરવામાં આવશે.
દમણમાં યોજાયેલી માછીમારોની સંયુક્ત બેઠકમાં પોરબંદર, ઓખા, વેરાવળ, જાફરાબાદ, વણાંકબારા, નારગોલ, દમણ, દીવ અને પાલઘર, થાણે, મુંબઈ વગેરેના માછીમાર આગેવાનો હાજર રહેલ. આ બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે માછીમારોના ન્યાય અધિકારો માટે ઈન્ડિયન વેસ્ટ કોસ્ટ ફિશરમેન્સ ફેડરેશન (WCFF) નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. માછીમારોની સમસ્યાઓ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે ઉપરોક્ત રાજ્યો તથા કેન્દ્ર સાશિત પ્રદેશનાં માછીમારોની એક કોર કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને ફેડરેશનનું એક પ્રતિનિધિમંડળ ટુંક સમયમાં ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત માટે સમયની માંગણી કરશે..
આ બેઠકમાં ઠરાવ પસાર કરીને મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ દમણ દિવ માંથી એક કમિટિની નિમણુંક કરવામાં આવી હતી. અને આ ફેડરેશન ટૂંક સમયમાં ગોવા અને કર્ણાટક, કેરલ ના માછીમારો સાથે એક સંયુક્ત બેઠક કરીને તેમને પણ સાથે જોડાવવાનાં પ્રયાસો કરવામાં આવશે.
આ મીટીંગના અધ્યક્ષ પુર્વસાંસદ ગોપાલભાઈ ટંડેલ (દાદા), ગુજરાત ખારવા સમાજ પ્રમુખ પવનભાઈ શિયાળ, મહારાષ્ટ્ર ફિશરમેન આગેવાન વિનોદભાઈ પાટીલ, ગુજરાત ખારવા સમાજ પુર્વપ્રમુખ સુનિલભાઈ ગોહેલ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ઉપપ્રમુખો જાફરાબાદથી ભગુભાઈ સોલંકી તથા પોરબંદરથી મુકેશભાઈ પાંજરી, વણાંકબારા ખારવા સમાજ પટેલ કિર્તીભાઈ ગોહેલ, જાફરાબાદ બોટ એસોસીએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકી, નવસારી અને વલસાડ માછીમાર આગેવાનો વાસુભાઈ ટંડેલ, દિનેશભાઈ નારણભાઈ ટંડેલ, ઠાકોરભાઈ નારણભાઈ ટંડેલ,
ધોલાઈ બંદર પ્રમુખ ઈશ્વરભાઈ ડી. ટંડેલ, હરીભાઈ ડાયાભાઈ ટંડેલ, દીવ જીલાનાં ઉમેશભાઈ સોલંકી તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાત ના અલગ અલગ બંદરોના આગેવાની ની ઉપસ્થિતિમાં માછીમારોને આવતા દિવસોમાં કઈ રીતે ફાયદો
થઈ શકે તેવો આ મિટીંગમાં નિર્ણય લેવામાં આવેલ છે.