પાવીજેતપુર વન કુટીર પાસે રતનપુર તરફ જવાના રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા જનતા પરેશાન
પાવીજેતપુર વન કુટીર પાસે રતનપુર તરફ જવાના રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ઘણી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી પાવીજેતપુર વન કુટીર પાસે રતનપુર તરફ જવાના રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા તળાવ જેવી પરિસ્થિતિ થઈ જવા પામી છે. વરસાદ બંધ થઈ જાય તો પણ આ જગ્યા ઉપર પાણી ભરાયેલું જ રહે છે. રસ્તા ઉપર પડેલા ખાડા ધીમે ધીમે મોટા થઈ જતા તેમજ પાણીનો યોગ્ય નિકાલ ન રહેતા આ વન કુટીર પાસે આવેલા રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહે છે. મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી તાલુકાની બંને મુખ્ય કચેરીઓ રતનપુર ખાતે આવેલી હોય તેથી સ્વાભાવિક રીતે તાલુકાની જનતાને આ રસ્તા ઉપર થી આવાર નવાર પસાર થવું પડે છે. આ રસ્તા ઉપર ભરાઈ રહેતા પાણીના ખાબોચિયાના કારણે ટુ-વ્હીલર તેમજ પગપાળા ચાલનાર લોકો ઉપર ફોરવીલર પસાર થાય છે તો ગંદુ પાણી ઉડવાના કારણે ઘણી વાર રાહદારીઓને પાછા ઘરે જવું પડે છે. અને પોતાના કપડા બદલવા પડે છે જેને લઇ કામોમાં વિલંબ થાય છે. તો ક્યારેક આ પાણી ઉછળવાના કારણે બોલાચાલી થઈ ઝઘડા પણ થાય છે. સ્વાભાવિક રીતે જ આ ગંદુ પાણી એકબીજા ઉપર ઉછળે એટલે ઝઘડા થાય જ, તંત્ર ખરેખર ધ્યાન આપી ખાડા પૂરાવી પાણીનો યોગ્ય નિકાલ કરે એવું આયોજન કરે એ ખૂબ જરૂરી છે. આજ રસ્તા ઉપર થી રોજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી પસાર થતા હોય તો તેઓ પણ આ પાણીના ખાબોચ્યા અંગે ધ્યાન આપી સંબંધિત અધિકારીને ધ્યાન દોરી આ સમસ્યાનો સમાધાન કરાવે તેવી લોક લાગણી જોવા મળી રહી છે.
આમ, પાવીજેતપુર વન કુટીર પાસે રતનપુર જવાના રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ભરાય, તળાવ જેવી પરિસ્થિતિ થઈ જતી હોય જેને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર આ સમસ્યાનું નક્કર સમાધાન કરે તેવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.