ડીસાથી અયોધ્યા જવા માટે ડીસા તાલુકાના માલગઢના માળી સમાજના બે યુવાનોએ આજે પગપાળા યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. તેઓ 1200 કિલોમીટરની પદયાત્રા કરી 42 દિવસે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે અંતગર્ત ડીસા તાલુકાના માલગઢ ગામના પીન્ટુ અશોકભાઇ માળી અને ધીરજ ગણપતભાઇ માળી ડીસાથી અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું છે. લગભગ 1200 કિ.મી.ની પદયાત્રા 42 દિવસમાં પૂર્ણ કરશે. ત્યારે આજે ડીસાના સાઇબાબાથી પ્રસ્થાન કરી બગીચા સર્કલ, જલારામ મંદિર થઈ રવાના થયા હતા.

તેમની પદયાત્રાને પ્રસ્થાન કરાવવા ડીસાના સેવાભાવી અને માળી સમાજના ભામાશા એવા પી.એન.માળી સહિત લોકોએ ડીસાના બગીચા સર્કલ પર બે યુવાનોને કુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને તેમને ડીસાથી અયોધ્યા જવા માટે કોઈપણ જાતની જરૂર હોય તે જરૂરિયાત પૂરી પાડવા માટે બાંહેધરી આપી હતી. અયોધ્યા જવા નિકળેલા બે યુવાનોની સાથે લોકો અને તેમના પરિવારજનો ડી.જે.ના તાલે નાચતા અને જય શ્રી રામના નારા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.