ડીસા શહેરમાં પારિવારિક મિલકતના વિવાદમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. યુવક સુસાઇડ નોટ લખી દુકાનમાંથી બેભાન હાલતમાં મળી આવતા પરિવાર અને પોલીસે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

"જર, જમીન ને જોરુ ત્રણેય કજીયાના છોરુ" એ કહેવતને સાર્થક કરતો કિસ્સો ડીસામાં બન્યો છે. જેમાં ડીસાની એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ ચાર રસ્તા નજીક આવેલી શાસ્ત્રીનગર સોસાયટી ભાગ-2માં રહેતા ગુણવંત ચંદ્રકાંતભાઈ મહેસુરિયા (ઉં.વ.40)ના પરિવારમાં છેલ્લા ઘણા દિવસથી ઘરમાં મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. ઘણા સમયથી ચાલતા આ કંકાસના કારણે ગુણવંતે કંટાળી જઇ આત્મહત્યા કરવાનું મન બનાવી ઘરે સુસાઇડ નોટ લખી ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો.

ત્યારબાદ તે રીસાલા ચોક બજારમાં આવેલી તેની દુકાનમાં શટર બંધ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવને પગલે યુવકની પત્ની તરત જ દુકાને પહોંચી હતી અને પોલીસને બોલાવી દુકાનનું શટર ખોલતા યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી આજુબાજુના વેપારીઓએ, પરિવારજનો અને પોલીસે બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વધુ સરળ માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.