ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ વચ્ચે આવેલા હાઇમાસ્ટ વીજપોલ સાથે જીપડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જીપડાલું એટલું વિચિત્ર રીતે અથડાયું હતું કે તેને વીજપોલથી અલગ કરવા ક્રેઇનની મદદ લેવી પડી હતી.
ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ પર સ્ટ્રીટ લાઇટ માટે નગરપાલિકા દ્વારા હાઈ માસ્ટ વીજપોલ રસ્તાની વચ્ચોવચ લગાવવામાં આવેલો છે. આ જગ્યા પર અગાઉ બટાકા સર્કલ હતું તે કાઢીને રસ્તા વચ્ચે કોઈપણ પ્રકારનો કોર્ડન કર્યા સિવાય સ્ટ્રીટ લાઈટનો હાઈ માસ્ટ વીજપોલ ઉભો કરી દેવાયો છે. જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાય છે.
ત્યારે આજે ડીસા શાક માર્કેટમાંથી શાકભાજી ખાલી કરીને એક જીપડાલુ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક જીપડાલુ હાઈ માસ્ટ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે વીજપોલને ખૂબ જ નુકસાન થયું હતું. જ્યારે ડાલુ એટલું વિચિત્ર રીતે અથડાયું હતું કે તેને વીજપોલથી અલગ કરવા માટે પણ ટ્રેનની મદદ લેવી પડી હતી. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.