કડી : કડી પોલીસ તેમજ બાવલુ પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન કડી પોલીસ અને બાવલુ પોલીસને ખાનગી રાહે બાતમી માળી હતી કે રાખડીયા ગામે ઘરની આગળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેમજ નગરાસણ ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડી રહ્યા છે. જેવી માહિતી મળતા પોલીસે રેડ કરીને 10 ઇસમોને રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી પોલીસ સ્ટાફ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન નગરાસણ કેનાલ પાસે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નગરાસણ ગામની સીમમાં આવેલ કુવેર નામની જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્નર કરીને પાંચ લોકોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
કડી પોલીસે નગરાસણ ગામે જુગાર રમતા વિષ્ણુજી ઠાકોર (નગરાસણ ), રાકેશજી ઠાકોર (નગરાસણ) છત્રસિંહ ગોહિલ (નગરાસણ ) નીરજ પટેલ (ડરણ ) ધર્મેન્દ્ર પટેલ (અમદાવાદ) ને ઝડપી પાડી રોકડ રકમ 20,500 તેમજ મોબાઇલ સહિત કુલ મુદ્દામાલ 36,730 કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
કડી તાલુકાના બાવલુ પોલીસ મથકનું સ્ટાફ અલગ અલગ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશન લગતી કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન બાદમી મળી હતી કે રાખડીયા ગામે ઠાકોરવાસમાં શંભુજી ઠાકોરના ઘર આગળ કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યાં છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરીને પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
કડી તાલુકાના પોલીસે રાખડીયા ગામના ઠાકોરવાસમાં જુગાર રમી રહેલા ગિરિશજી ઠાકોર (રાખડીયા ) કમલેશજી ઠાકોર (રાખડીયા) શંભુજી ઠાકોર (રાખડીયા ) રઘુજી ઠાકોર (રાખડીયા ) રાહુલજી ઠાકોર (ફતેપુરા ) ને ઝડપી પાડી 4,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો દાખલ કરી કાર્યવાહી કરાવી હતી.