બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના નારગઢ ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ...

ટી. બી.ના 37 અને સિકલસેલ એનીમિયાના 13 દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયું..

ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓ - કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ રસપૂર્વક નિહાળી..

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે. 

જેના ભાગરૂપે તા. 22 નવેમ્બરના રોજ દાંતા તાલુકાના નારગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

જે અંતર્ગત કુલ 74 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત 2 લાભાર્થીઓને નવા કનેક્શન આપવામાં આવ્યા હતા. તો નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ 'મેરી કહાની મેરી જુબાની' થીમ હેઠળ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી હતી.

આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 37 દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ 13 દર્દીઓના કરવામાં આવ્યા હતા. હાજર 74 લાભાર્થીઓ સહિત 101 જનરલ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. રથ દ્વારા સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નારગઢ ગામના સરપંચશ્રી તલાટીશ્રી અને ગ્રામજનો સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને આગેવાનોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રેરણા પુરી પાડી હતી.