ગુજરાતમાં સૌપ્રથમ ડીસા ખાતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં મહિલાઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે અને તમામ પ્રકારની સુવિધા તેમજ સરકારી યોજનાઓની માહિતી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરાઈ છે.
સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીમાં મહિલાઓને કોઈ કામ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને કેટલીકવાર તો વારંવાર ધક્કા ખાવા છતાં પણ યોગ્ય માહિતી કે સુવિધા મળતી નથી. જે બાબત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને ધ્યાને આવતા જ તેમણે આ અંગે સંકલનમાં રજૂઆત કરી નાયબ કલેક્ટર નેહા પંચાલ સાથે આ મુદ્દે ચર્ચા કરી ડીસાની સરકારી ઓફિસમાં મહિલાઓની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું. જે અંતર્ગત આજે ગુજરાતમાં સૌપ્રથમ ડીસા મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રનો શુભારંભ કરાયો છે. જ્યાં મહિલાઓ દ્વારા મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ અને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે.
આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, આ મહિલા સહાયતા કેન્દ્રથી મહિલાઓ વિના સંકોચે તેમને મળતા સરકારી લાભ અને સહાય અંગે માહિતી મેળવી શકશે. ફોર્મ પણ ત્યાંથી જ આપવામાં આવશે અને કઈ જગ્યાએ ફોર્મ જમા કરાવી કઈ રીતે સહાય મળે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. સરકારી કચેરીમાં કેટલીક વાર મહિલાઓ પાસેથી એજન્ટો પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા તે પણ હવે બંધ થશે. જેથી એક પારદર્શક વહીવટ થશે અને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ જરૂરિયાતમંદ મહિલાઓને મળશે.