ડીસામાં ગઈકાલે સાંજે નાયબ કલેક્ટર કચેરી ખાતે તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં તહેવારોના સમયમાં લોકોની સુખાકારીની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ડીસામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલની અધ્યક્ષતામાં તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં યુજીવીસીએલ, નગરપાલિકા, માર્ગ અને મકાન, પોલીસ, તાલુકા પંચાયત, મામલતદાર, આરોગ્ય, આંગણવાડી સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ડીસા શહેરમાં નવી પોલીસ ચોકી શરૂ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં વીજળીની સમસ્યાઓ તેમજ આરોગ્યલક્ષી સમસ્યાઓ હલ કરવા માટે રજૂઆત થઈ હતી. આ સિવાય ડીસા શહેરથી ગામડાઓને જોડતા માર્ગોનું રીપેરીંગ અને નવીનીકરણ, રોડની બંને સાઈડ જંગલ કટીંગ, તળાવો નીમ કરવા માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જ્યારે તહેવારોને લઈને ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સુખાકારીમાં વધારો થાય તે માટે નાયબ કલેક્ટર અને ધારાસભ્યએ તમામ વિભાગના કર્મચારીઓને સુચના આપી હતી.