સરસ્વતીના સરીયદમાં આજે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. ફટાકડાના સ્ટોલોમાં આગ લાગતાં લાખોના ફટાકડા ફૂટી ગયા હતા તેમજ બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે વધુ તપાસ કરતા જે દુકાનમાં આગ લાગી હતી તે બંને વેપારીઓએ ફટાકડા વેચાણ માટેનું લાયસન્સ ન લીધું હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત વેચામ સ્થળ પર કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ મળી આવ્યા ન હતા. જેથી બંને વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરસ્વતીના સરીયદમાં આજે બે ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેથી અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ભયંકર આગ લાગતાં સ્ટોલની બાજુમાં રહેલી બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી તેમજ બે સ્ટોલમાં રહેલો તમામ મુદ્દામાલ આગમાં શ્વાહા થઈ ગયો હતો, જેથી લાખોનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. આકસ્મિક કારણસર ફટાકડાના સ્ટોલમાં આગ ભભૂકી ઊઠી હતી, જેથી એક બાદ એક ફટાકડા ધાણીની જેમ ફૂટવા લાગ્યા હતા. દિવાળીના તહેવારમાં ફટાકડાનું વેચાંણ થાય એ પહેલા જ ફટાકડા ફૂટી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી નજીકમાં રહેલી એક CNG રિક્ષા અને ગાડી પણ આગની ચપેટમાં આવતાં બચી ગઈ હતી. સ્થાનિકોએ પાણીનો છટકાવ શરૂ કર્યો હતો, જેને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ફટાકડાના સ્ટોલધારકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દુકાનની આગળ આ બન્ને ફટાકડાના સ્ટોલ લગાવેલા હતા. જે સ્ટોલમાં ફાયર સેફ્ટી પણ નહી અને સ્ટોલ મંડપ કાપડનો હતો. આ અંગે પાટણ ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે, સ્ટોલની કોઈ મંજૂરી ન હતી.
સરસ્વતીની સરીયદ બજારમાં રામજી મંદિર આગળ આજે ફટાકડાની દુકાનમાં જે આગનો બનાવ બન્યો હતો તે બે વેપારીઓએ ફટાકડા વેચવા માટેનું લાયસન્સ લીધું ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પર ફાયર સેફ્ટીના કોઈ સાધનો પણ રાખ્યા ન હતા. પંચાલ પુનાભાઈ અને મકવાણા અનિલભાઈએ જાહેરજનતાને નુકસાન થાય તે રીતે બેદરકારી દાખવતા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બે દિવસ પહેલાં સુરતના અડાજણમાં પણ ફટાકડાના સ્ટોલ પર આગ લાગી હતી, જેથી ભાગદોડ મચી ગઈ હતી. ફટાકડા સ્ટોલના વેપારી પતિ-પત્ની જમવાનું લેવા ગયાં હતાં. ત્યારે પરત આવીને જોયું તો ફટાકડાના સ્ટોલ પર આગ લાગેલી જોવા મળી હતી. આગની ઘટના બનતાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને રોડ થોડી ક્ષણ પૂરતો બંધ થઈ ગયો હતો. જોકે આગના બનાવને લઈ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને લઈ સ્ટોલમાલિકની નાની દીકરીને સામાન્ય ઈજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.