વડનગર તાલુકાના વલાસણા નજીક શનિવારે સવારે ડમ્પરની ટક્કરે ઈડરના જાદર ગામના રિક્ષાચાલક સહિત બેનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતાં વડનગર સિવિલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈડર તાલુકાના જાદર ગામના યુસુફઅલી અનવરઅલી સૈયદનો દીકરો અલ્ફાજહુસેન અને તેમનો ભત્રીજો સાજીદઅલી સૈયદ તેમના મિત્ર શેખ સોહિલભાઈ સલીમભાઈની રિક્ષા (જીજે 09 એએક્સ 4927) લઈ શુક્રવારે પાલનપુર હોટલમાં બેનર લગાવવા ગયા હતા. જ્યાં રાત રોકાયા બાદ ત્રણેય શનિવારે સવારે જાદર પરત જઇ રહ્યા હતા.
તે દરમિયાન વડનગર તાલુકાના વલાસણા નજીક સામેથી આવી રહેલા ડમ્પર (જીજે 02 એક્સ એક્સ 6743)ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષાચાલક સોહિલ શેખ અને અલ્ફાજહુસેન સૈયદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે સાજીદઅલી સૈયદને ગંભીર ઇજાઓ થતાં 108માં વડનગર સિવિલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયો હતો. અકસ્માત અંગે યુસુફઅલી સૈયદે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવાઇ હતી.