ડીસાના પશુ બજાર નજીક બેફામ બનેલા ઇકો ચાલકે રાહદારીઓને અડફેટે લેતા અફરા-તફરી મચી જવા પામી હતી. અકસ્માતમાં ચારેક લોકોને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઇકો ચાલક નાસી છૂટયો હતો.
ડીસાના પશુ બજાર નજીક બુધવારે સાંજના સુમારે એક ઇકો ચાલકે બેફામ રીતે પોતાની ઇકો કાર ચલાવી અહીં ઉભેલી શાકભાજીની લારી ધારકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. અચાનક ફૂલ સ્પીડથી ધસી આવેલી ઇકો કાર આવતા લોકોમાં ભારે અફરા-તફરી મચી હતી. આ ઇકો કાર ચાલકે ત્યાં ઉભેલા લારી ચાલક બે મહિલા સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચાડવા ઉપરાંત બેથી ત્રણ વાહનોને પણ નુકશાન કર્યું હતું.
જોકે, અકસ્માત બાદ ઇકો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રતોને સારવાર માટે 108 ને બોલાવી ડીસા સિવિલ ખાતે મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઇકો ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.