ડીસાના ચોરામાં ચાર શખ્સોએ ઘાતક હથિયારો સાથે આવીને દૂધ મંડળીના ચેરમેન પર વધુ ફેટ આપવા બાબતે હુમલો કર્યો હતો. આથી તેમને છોડાવવા વચ્ચે આવેલા તેમના બે પિતરાઇઓને પણ ઇજા પહોંચાડી હતી. આગથળા પોલીસે 4 સામે ગુનો દાખલ કર્યો હતો.

ડીસાના ચોરા ગામના બાબુભાઇ મેવાભાઇ રબારી શનિવારે સવારે પોતાના પિતરાઇ સાથે ગામની દૂધ મંડળીએ દૂધ ભરાવવા આવેલા હતા. આ વખતે ગામના ભાવેશભાઇ કલ્યાણભાઇ રબારી, કલ્યાણભાઇ હરજીભાઇ રબારી, ગણપતભાઇ મફાભાઇ રબારી તથા રમેશભાઇ મેવાભાઇ રબારી તેમના હાથમાં ધારિયા અને લોખંડની પાઇપ તેમજ લાકડીઓ લઇને આવ્યા હતા. તેઓ તેમના પિતરાઇ રાણાભાઇ જવેરભાઇ રબારીને અપશબ્દો બોલી તું દૂધ ડેરીમાં ચેરમેન છે અને અમને સારા ફેટ આપતો નથી તેમ કહીં એકદમ ઉશ્કેરાઇને તેમના પર એકાએક હથિયારો વડે હુમલો કર્યો હતો.

 આથી તેમનો પિતરાઇ પરબતભાઇ દાનાભાઇ રબારી અને ચેહરાભાઇ દાનાભાઇ રબારી છોડાવવા વચ્ચે પડતાં તેમના પર પણ હુમલો કર્યો હતો. આથી વધુ હોબાળો થતાં અન્ય માણસોએ દોડી આવીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જોકે, જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રામસણના સરકારી દવાખાનેથી ડીસા ખસેડાયા હતા. બાબુભાઇની ફરિયાદના આધારે આગથળા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.