*રાજકોટ શહેર લોકમેળાનું નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર લોકમેળાના નામકરણ માટે ૬૮૦ જેટલા નાગરિકો દ્વારા એન્ટ્રી મોકલવામાં આવી હતી. જેમાંથી કિશન જાવિયા નામના નાગરિક દ્વારા સૂચવાયેલ નામ આઝાદીનો અમૃત લોકમેળો ફાઈનલ કરવામાં આવેલ છે. કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ સંદર્ભે વિશેષમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે આઝાદીના નામ સાથે લોકમેળાનું નામ આપવું યોગ્ય છે. જેથી લોકમેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો રાખવામાં આવેલ છે. કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, લોકમેળાનું ઉદ્દઘાટન આગામી તા.૧૭ના સાંજનાં પ વાગ્યે કરવામાં આવશે. મેળાના ઉદ્દઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે આયોજીત થતા આ લોકમેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. લોકમેળાને મહાલવા આવતા લોકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવશે. આ વખતે આ મેળામાં લોકો પણ પરર્ફોમન્સ કરી શકે તે માટે ખાસ અલગથી સ્ટેજ રાખવામાં આવશે. મેળાના આયોજન માટે છેલ્લા એક મહિનાથી વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ લોકમેળામાં થનારી આવકની ૨૫% રકમ મુખ્યમંત્રીના રિલીફ ફંડમાં જમા કરાવામાં આવશે. આ ઉપરાંત લોકમેળાને મહાલવા આવતા લોકોને ફૂડ તેમજ પીવાનું પાણી ગુણવત્તાયુક્ત અને શુધ્ધ મળી રહે તે માટે પગલા લેવામાં આવશે. આ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ ક્વોલીટી અને પ્રાઈઝ બાબતે લોકમેળામાં ખાસ ડ્રાઈવ કરવામાં આવશે. તેમજ લોકમેળામાં મહાનગરપાલિકાના ટોયલેટ રખાશે તેમજ વહીવટી તંત્ર દ્વારા બહારથી પણ ૫૦ જેટલા ટોયલેટ મંગાવીને મુકવામાં આવશે. કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે લોકમેળાની રાઈડ્સમાં લોકોની સલામતી અને સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. રાઈડ્સના ચેકીંગ માટે મિકેનિકલ વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે. મેળામાં આવનારા લોકોની સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની સાથો-સાથ ખાનગી સિક્યોરીટી પણ તૈનાત કરવામાં આવશે. લોકમેળા માટે વિમો લેવામાં આવશે. રાજકોટમાં કોરોના કાળના ૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર-લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.૧૭થી ૨૧ સુધીના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા લોકમેળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય આ અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.* *

રિપોર્ટર. વિપુલ મકવાણા