પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં શિક્ષક તેમના સબંધીને મળવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમની કારનો આગળના દરવાજાનો કાચ તોડી રૂપિયા 3.10 લાખની રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે શિક્ષકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુરમાં કારના દરવાજાની બારીનો કાચ તોડી રોકડ રકમની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસાથી શિક્ષક નરેશભાઇ અમરતભાઇ વાઘેલા સ્ટેટબેંકમાંથી રૂપિયા 2 લાખ ઉપાડ્યા હતા. અને પાલનપુર આવી યુનિયન બેંકમાંથી રૂ. 1 લાખ ઉપાડ્યા હતા.
જે રકમ કારની આગળની સીટ ઉપર મુકી હતી. દરમિયાન તેઓ પાલનપુરના ગણેશપુરા વિસ્તારની રત્ન પાર્ક સોસાયટીમાં પોતાના સંબંધીને મળવા ગયા હતા. દરમિયાન અજાણ્યો શખ્સ તેમની કારના આગળના દરવાજાની બારીનો કાચ તોડી અંદર પડેલી રકમ ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.
સબંધીના ઘરેથી પરત આવ્યા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થતાં નરેશભાઇએ પોલીસને જાણ કરી હતી. જ્યાં પૂર્વ પોલીસની ટીમ, ડીવાયએસપી દોડી આવ્યા હતા. અને શખ્સને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતુ કે, શિક્ષકે પ્રથમ ડીસાની બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા. ત્યાંથી શખ્સે તેમનો પીછો કર્યો હોવાનું અનુમાન છે. બેંક સહિતના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં થોડા સમય અગાઉ જ નવા બસ સ્ટેન્ડ ની સામે એક ખેડૂતે પોતાની કારમાં રૂપિયા 5 લાખ મૂકી સબંધીને મળવા ગયા હતા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણ્યા શખ્સો રૂપિયા લઈ ગયા હોવાની ઘટના બની હતી. એકજ મોડસ ઓપરેન્ડીથી આ બીજી ચોરી થઇ છે.