કડી તાલુકાના મેડા આદરજ ગામ નજીક આવેલા મૈયણા ગામની સીમમાંથી એકાએક અજગરના બચ્ચાઓ નીકળી આવતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. ગામના જોમભાઈ રબારીના ખેતરમાં કરણ રબારી ભેંસો ચારવા માટે ગયો હતો. ત્યાં આવેલા બંધ પાણીની કુંડી નજીક પહોંચતા કંઈક સાપ જેવું તેને કુંડીમાં જોવા મળ્યું હતું. જે બાદ તેઓએ તેમના મિત્રોને જાણ કરી હતી અને કડીના જીવદયા પ્રેમી કેતન બારોટ, સંદીપ બારોટ, મિલન બારોટને ફોન કરીને જાણ કરતા જીવદયા પ્રેમીઓ ગામની સીમના ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કુંડીમાં તપાસ કરતા તેઓને માલુમ થયું હતું. કે, અજગરના બચ્ચા જોવા મળ્યા હતા જે બાદ એક બાદ એક રેસ્ક્યૂ કરીને અજગરના બચ્ચાઓને બહાર નીકાળવામાં આવ્યા હતા. આશરે 15 જેટલા અજગરના બચ્ચા રેસ્ક્યૂ કરીને બહાર નીકાળતા સમગ્ર વિસ્તારમાં ભય પ્રસરી ગયો હતો.


કડી વાઈલ્ડ લાઈફના અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જીવદયા પ્રેમીઓની મદદથી એક બાદ એક 15 અજગરના બચ્ચા સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. થોળ અભ્યારણના આરએફઓ સ્વપ્નિલ પટેલ જણાવ્યું હતું. કે, દરેક અજગરના બચ્ચાને સુરક્ષિત થોળ અભ્યારણ ખાતે છોડી મૂકવામાં આવશે અને જો ઇજાગ્રસ્ત હશે તો તેને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે. 

કડીના જીવદયા પ્રેમી કેતન બારોટ જણાવ્યું હતું કે, અમારા મિત્ર રાજુભાઈનો ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે, અમારા ગામની અંદર ખેતરમાં પાણીની કુંડીમાં અજગરના બચ્ચા જેવું કંઈક જોવા મળી રહ્યું છે. જે બાદ અને તેમને મને પહેલા એક વીડિયો મોકલી આપ્યો હતો અને મને માલૂમ થયું હતું કે આ અજગરના બચ્ચા જ છે અને વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફને જાણ કરવામાં આવી હતી અને અમારા મિત્રો સાથે હું અહીં પહોંચ્યો હતો. કુંડીના અંદર રહેલા અજગરના બચ્ચા અમે અને અધિકારીઓ દ્વારા એક બાદ એક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને બીજા બચ્ચા પાઇપના અંદર છે. હજુ બહાર કાઢવા સહી સલામત રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ.