વિશ્વાસથી વિકાસ યાત્રામાં પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે રૂ. ૭૧.૯ કરોડના ૫૧૨ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું..

બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની લોકસભાની જળ સંસાધન સમિતિના ચેરમેન તરીકે નિમણુંક થતાં સરપંચશ્રીઓ દ્વારા સન્માન કરાયું..

(બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા) 

વિશ્વાસથી વિકાસ યાત્રાની ઉજવણી અંતર્ગત પાલનપુર ટાઉનહોલ ખાતે લોકસભાના સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે રૂ. ૭૧.૯ કરોડના ૫૧૨ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગના ૨૦ કામો, ગ્રામ વિકાસ વિભાગના ૧૪૦ કામો, સામાન્ય વહીવટ વિભાગના ૧૭૧ કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૩ કામો, પંચાયત વિભાગના ૧૭૮ કામોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની લોકસભાની જળ સંસાધન સમિતિના ચેરમેન તરીકે નિમણુંક થતાં આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  

           આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની વાત પ્રજા સમક્ષ મુકવા માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે સમગ્ર રાજ્યમાં કરોડોના રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત થયું છે. તેમણે કહ્યું કે, બે દિવસ અગાઉ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલી ડીસા નજીક નાંણી ખાતે રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરફિલ્ડનું ખાતમૂર્હત કરાયું છે. જેનાથી દેશની સુરક્ષા મજબુત બનશે અને બનાસકાંઠા જિલ્લાની વિકાસયાત્રાને વેગ મળશે. 

           સાંસદશ્રીએ કહ્યું કે, યાત્રાધામ અંબાજીને ટુરીઝમ પ્લે સ તરીકે વિકસાવવા સરકારે અભિયાન આદર્યુ છે. અંબાજી ખાતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમૂર્હત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં શહેરોમાં પણ વીજળી, પાણી, સારા રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના ફાંફા હતા, આજે અંતરીયાળ ગામડાઓ સહિત સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક વીજળી, પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા, પાકા રસ્તાઓ, ઠેર ઠેર શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે પરિણામે શિક્ષિત અને સમૃધ્ધ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. સાંસદશ્રીએ કહ્યું કે, જરા ભૂતકાળને યાદ કરો, પીવાના પાણી માટે લોકો ટળવળતા હતા આજે ઘેર ઘેર નળ કનેક્શન આપીને પાણીની સમસ્યાઓમાંથી છુટકારો મળ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યાં છે. બાળકોને ભણવા માટે શિક્ષણ મેળવવાની વ્યવસ્થા નહોતી, આજે તમામ તાલુકાઓમાં સરકારી શાળાઓ અને આઇ.ટી.આઇ., કોલેજો સહિત ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રમાં અદભૂત કામ થયું છે. આયુષ્યમાન ભારત યોજનામાં રૂ. ૫ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીમાં વસતા આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી આદિજાતિઓનો સર્વાંગી વિકાસ કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, દેશના ૧૧ કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપીને બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. સાંસદશ્રીએ કહ્યું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૩૧ ઓકટોબરના રોજ બનાસની ધરતી થરાદ ખાતે પધારી રહ્યાં છે એ કાર્યક્રમમાં પધારવા આપ સૌને આમત્રંણ પાઠવું છું.

          

            આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયાએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાએ છેલ્લા ૨૭ વર્ષથી અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે અને એના લીધે જે વિકાસ થયો છે એ વિકાસની વાત જન જન સુધી પહોંચાડવા વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાઇ રહી છે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૦૧માં જ્યારથી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજ્યનો તમામ ક્ષેત્રોમાં અજોડ વિકાસ થયો છે. સાંસદશ્રીએ ભૂતકાળની સરકારો પર આકારા પ્રહાર કરતા જણાવ્યું કે, ભૂતકાળના ૫૦ વર્ષ સુધી દેશનો જેટલો વિકાસ નથી થયો એટલો વિકાસ છેલ્લા ૮ વર્ષમાં આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં થયો છે. તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા ત્યારે આ દેશમાં ૧૮,૦૦૦ એવા ગામડાઓ હતા કે, જેમાં વીજળીનો વાયર પહોંચ્યો નહોતો, તે તમામ ગામોમાં આજે વીજળી પહોંચાડી છે. આ સરકારે એક એક ગરીબ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીને સરકારના લાભો છેવાડાના માનવી સુધી કઇ રીતે પહોંચે તેની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક બટન દબાવીને ૧૬,૦૦૦ કરોડ રૂપિયા દેશના ખેડુતોના ખાતામાં સીધા જમા કરાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, આપણા ગુજરાતનો જે વિકાસ થયો છે એનાથી વધુ વિકાસ થાય અને આપણો દેશ સમગ્ર વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બને એના માટે આપણે બધા સંકલ્પબધ્ધ બનીએ.  

              આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રીઓ કેશાજી ચૌહાણ અને શ્રી હરજીવનભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, પૂર્વ ધારાસભ્યશ્રી વસંતભાઇ ભટોળ, અગ્રણીઓ સર્વશ્રી યશવંતભાઇ બચાણી, શ્રી સુરેશભાઈ શાહ, શ્રી દિનેશભાઇ દવે, શ્રી ગિરીશભાઇ જણાણીયા, શ્રી માધુભાઇ રાણા, મોતીભાઇ પાળજા, શ્રી દિનેશભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.