બનાસકાંઠામાં સાસરિયાઓ દ્વારા યુવતીના ચરિત્ર પર શંકા કરી શારીરિક, માનસિક ત્રાસ આપી દસ લાખ રૂપિયાના દહેજની માંગ કરી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જે મામલે પીડીત યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ અને સાસુ-સસરા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસા તાલુકાના ઝાબડીયા ગામની 23 વર્ષીય યુવતીના લગ્ન 2021ની સાલમાં મહેસાણા જિલ્લાના સુણોક ગામે રહેતા દિપક પરમાર નામના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. યુવતીના સસરાની શિક્ષક તરીકે નોકરી ચાલુ હોવાથી લગ્ન બાદ તેઓ રાધનપુર સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતમાં ત્રણ મહિના પતિ અને સાસરિયાઓએ યુવતીને મનમેળથી રાખ્યા બાદ ધીરે ધીરે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

તેનો પતિ યુવતીના ચરિત્ર પર શંકા કરી વધુ અભ્યાસ કરાવવાનું બંધ કરવા દબાણ કરતો હતો. તેમજ સાસુ-સસરા, જેઠ-જેઠાણીની ચડામણીથી યુવતીને અવારનવાર મારઝૂડ પણ કરતો હતો. પરંતુ ઘર સંસાર ન ભાગે તે માટે યુવતી આ યાતનાઓ સહન કરતી હતી.

ત્યારબાદ તેના પતિએ પૈસાની જરૂર છે તેમ કહી દસ લાખ રૂપિયાના દહેજની માંગ કરી હતી. પરંતુ યુવતીના પિતા ખેતી કરતા હોવાથી આટલી મોટી રકમ આપી શકે તેમ નથી. તેવો જવાબ મળતા યુવતીને તેનો પતિ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે રોજબરોજના ત્રાસથી કંટાળી યુવતી દોઢ મહિના અગાઉ તેના પિયર આવી ગઈ હતી અને 10 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હેરાન કરનાર પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.