ડીસા તાલુકાના સણથ ગામે રસ્તા પર ચાલવા બાબતે થયેલી તકરારમાં પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ દંપતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ડીસા તાલુકાના સણથ ગામે રહેતા દશરથભાઈ સુથાર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તેમની પત્ની સાથે તેમના ખેતરેથી ઘાસચારો લઈ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેમના બાજુના ખેતર માલિક અમરત રબારી તેમના પુત્ર સહિત ચાર શખ્સોએ રસ્તા પર ચાલવા બાબતે બબાલ કરી હતી.

તેમજ દંપતીએ આ જાહેર રસ્તો હોવાનું જણાવતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સોએ ધારિયુ, છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં દશરથભાઈ અને તેમની પત્નીને ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી તેમના સગા સંબંધીઓ દોડી આવી છોડાવ્યા હતા.

હુમલામાં લોહી લુહાણ હાલતમાં દશરથભાઈ અને તેમની પત્નીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અંગે ઇજાગ્રસ્ત ભાવનાબેને હુમલો કરનાર અમરત રબારી, જીગર રબારી, મગન રબારી અને કરમશી રબારી સામે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.