રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે રહેતા 70 વર્ષીય વૃધ્ધ મહીલા પર લૂંટના ઈરાદે બે શખ્સોએ ચાકુ વડે હુમલો કર્યો હતો. વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા સાથે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે પોલારપુર ગોધરા ચોકડી પરથી સુંદરિયાણા અને કમાલપુર ધોળી ગામના યુવાનોને પોલીસે પકડી પાડયા હતા.ઈલાબેન રમણીકલાલ ચોટલીયા (શાહ) જેઓ સુંદરિયાણા ખાતે રહેણાંકના મકાનમાં દુકાન બનાવીને રહેતા હતા. મંગળવારે તેમના ગળામાં પહેરેલ સોનાનો ચેઈનને આંચકો મારી લુંટ કરવાના ઈરાદે ઈલાબેનને છરીના ઘા ઝીંકી ઈજાગ્રસ્ત કરી બંને નાસી છુટયા હતા. ત્યારે ગામ લોકોને ખબર પડતાં ગામ લોકો એકત્રીત થઈ ને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે બોટાદ એસ.પી,ડી.વા.એસ.પી,એલ.સી.બી.,રાણપુરપી.એસ.આઈ.એસ.જી.સરવૈયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જ્યારે ઈલાબેન ને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે બંને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવમાં આવી હતી શોઘખોળ હાથ ધરવામાં આવી હતી.બરવાળા રોડ પર આવેલ પોલારપુર ગોધરા ચોકડી પરથી બંને આરોપીઓને રાણપુર પોલીસે ઝડપી લીધા હતા. ધર્મેન્દ્રસિંહ હનુભા ગોહીલ રહે. સુંદરીયાણા અને ધનરાજસિંહ ભુપતસિંહ ઝાલા રહે. કમાલપુર ધોળી તા.લિંબડી, જિ. સુરેન્દ્રનગર બંને શખ્સોએ ઈલાબેન પાસે લુંટ કરવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.