વિસનગર : દીકરા સાથે અલગ રહેતી અને કોર્ટમાં કેસ કર્યા બાદ મહિલા આરોગ્ય કર્મચારી પત્નીને પતિએ કારથી ટક્કર મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના સુંઢિયા ગામે બની છે. મહિલાએ પોતાની સાથે તકરાર કરનાર પિતા અને ટક્કર મારનાર પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
વિસનગરના દઢિયાળ ગામના અને હાલ સુંઢિયા ગામે નાગરવાસમાં રહેતાં નિકેતાબેન વિજેન્દ્રકુમાર ચૌધરી છાબલીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. નિકેતાબેનના 2011માં માણસાના ચરાડા ગામે ચૌધરી પંકજકુમાર જેસંગભાઈ સાથે લગ્ન થયાં હતાં. તેમને સંતાનમાં એક દીકરો તારુષ છે.
2018 પછી પતિ પંકજભાઈ સાથે મનમેળ ન આવતાં તેઓ દીકરા સાથે પિયરમાં રહેતાં હતાં અને છેલ્લા એક વર્ષથી નિકેતાબેન સુંઢિયા ગામે રહે છે. ગત 14 જુલાઈએ બપોરે નિકેતાબેન સુંઢિયા કોલોની ત્રણ રસ્તા પર બસની રાહ જોઈને ઊભાં હતાં, ત્યારે તેમના પિતા ચૌધરી વિજેન્દ્રકુમાર તેમની પાસે આવ્યા હતા અને હું તથા તારા પતિ પંકજ ચૌધરી અમો આજે શાળામાં તારુષને મળવા ગયા, પણ તારુષે અમને મળવાની ના પાડી છે, તારુષ કેમ અમારી પાસે આવતો નથી તેને શું શીખવાડ્યું છે તેમ કહી ગાળો બોલી તું તારા પતિ પંકજથી છૂટાછેડા કેમ લેતી નથી તેમ કહેતા હતા. તે સમયે કાર (જીજે 18 બીઇ 5247)ના ચાલક પતિ પંકજ ચૌધરીએ ટક્કર મારતાં તેઓ નીચે પડી જતાં બંને પગે ઇજા થઈ હતી.
તેમણે પણ તું મારાથી છૂટાછેડા કેમ લેતી નથી કહી બોલાચાલી કરતાં લોકો ભેગા થઈ જતાં તેમના પિતા અને પતિ ગાડીમાં બેસી જતા રહ્યા હતા. બનાવ અંગે નિકેતાબેને તેમના પિતા વિજેન્દ્રકુમાર ચૌધરી અને પતિ પંકજ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.