ડીસામાંથી પાલનપુરના એક જ્વેલર્સ માલિકને લૂંટવાનું કારતરું રચવાના ગુનામાં વધુ એક તડીપાર આરોપીનું નામ ખુલ્યું છે. જેથી પોલીસે આરોપીને શોધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી જેલના હવાલે કર્યા હતા.

ડીસા શહેર પોલીસે 20 દિવસ અગાઉ એક રિવોલ્વર અને કારતુસ સાથે એક ટોળકીને ઝડપી પાડી હતી. જે ટોળકી પાલનપુરમાં એક જ્વેલર્સ માલિકને લૂંટવાનું કાવતરું રચી રહી હતી. જોકે સતર્ક પોલીસે ટોળકી લૂંટ આચરે તે પહેલાજ ટોળકીના તમામ સભ્યોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જે કેસમાં વધુ ઝીણવટ ભરી તપાસ કરતા ડીસા તાલુકા પોલીસે અઠવાડિયા અગાઉ તડીપાર કરેલા રાયમલસિંહ ઠાકોરનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તડીપાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો , ડીસા શહેર ઉત્તર પોલીસે 20 દિવસ અગાઉ નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી ત્રણે શખસોને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમની તપાસ કરતા ત્રણેય શખસો પાસેથી જીવતા કારતુસ અને પિસ્તોલ મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતા. તો ઝડપાયેલા શખસો અગાઉ પાલનપુર સબજેલમાં હતા. ત્યારે ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સાથે મુલાકાત થયેલી અને તેણે પાલનપુરની એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો.

બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ જ્વેલર્સની રેકી કરી કરી હતી અને દુકાનનો માલિક જ્યારે ઘરેથી દાગીના લઈ દુકાને જતો હોય ત્યારે તેને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો. તેમજ તેઓ પાલનપુરથી ટ્રેન મારફતે આગ્રા અને આગ્રાથી ટ્રાવેલ્સ મારફતે ધોલેપુર થઈ મોરેના પહોંચ્યા હતા. જ્યાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મુરેના ( મધ્યપ્રદેશ ) પાસેથી રિવોલ્વર અને કારતુસ લાવ્યો હતો.

જે કેસમાં અગાઉ ડીસા શહેર પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી (રહે. ગોવર્ધનપાર્ક, ડીસા), રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા) અને વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા)ની અટકાયત કરી છે. જ્યારે જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી (રહે. પાલનપુર) સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી રિમાન્ડ મેળવ્યા હતા. અંતે ત્યાર બાદ તમામ આરોપીઓને સબજેલમાં ધકેલ્યા છે.