જોધપુરના એક પ્લાસ્ટિક સર્જન ડોક્ટરના ઘરમાં સ્ટ્રીટ ડોગ ઘૂસી જતા રોષે ભરાયેલા ડોક્ટરે કૂતરાને પોતાની ગાડી સાથે બાંધીને 5 કિલોમીટર સુધી ઘસડતા કૂતરો લોહીલુહાણ થઈ ગયો હતો જોકે, ત્યાંથી પસાર થતા લોકોએ આ દૃશ્યો જોઈને ચોંકી ગયા હતા અને કાર ને રોકવા ડોકટરની કારની આગળ બાઈક ઊભી રાખીને તેને રોક્યો અને માંડ શ્વાનને છોડાવી એમ્બ્યુલન્સ બોલાવીને શ્વાનને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

આ ડોકટર વિરુદ્ધ પશુ ક્રૂરતાનો કેસ નોંધાયો છે

આ ડોકટર જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ફરજ બજાવે છે જેનું નામ ડૉ. રજનીશ ગાલવા હોવાનું અને અહીં સૌથી પૉશ કોલોની શાસ્ત્રીનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, શ્વાન ડોકટર ગાલવાના ઘરમાં વારંવાર ઘૂસી જતો હતો. રવિવારે બપોરે પણ આવું જ થયું. સ્ટ્રીટ ડોગ તેના ઘરમાં ઘૂસી ગયો, જેને કારણે ડોક્ટર ગાલવાને ગુસ્સો આવ્યો. તેને દોરડું લીધું અને કૂતરાના ગળામાં બાંધી દીધું અને કાર સાથે બાંધી કારને ઝડપથી દોડાવવા લાગ્યો. કાર સ્પીડમાં હોવાને કારણે તે વચ્ચે-વચ્ચે ઘસડાતો પણ હતો, જેને કારણે તેના શરીરમાં અનેક જગ્યાએ ઈજા પહોંચી હતી.

 શાસ્ત્રીનગર સર્કલ પાસે લોકોએ ડોકટરની આ ક્રૂર હરકત જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને કાર ને રોકવાનું જણાવતા ડો. રજનીશ ગાલવા કાર ભગાવતો રહ્યો હતો

પરિણામે રાહદારોએ કારની પાછળ બાઈક દોડાવી અને એની આગળ બાઈક ઊભી રાખી, કારને અટકાવી ત્યારે જ કાર રોકાઈ હતી. ડોકટર ગાલવાએ આ વાતનો વિરોધ પણ કર્યો. જેમણે કાર અટકાવી તેમની સાથે ચડભડ પણ કરી. એટલામાં એક રાહદારીએ ડોગ હોમ ફાઉન્ડેશનના વર્કરોને જાણ કરી. ફાઉન્ડેશનના મેમ્બર આવ્યો તો તેની સાથે પણ ડોકટર માથાકૂટ કરવા લાગ્યો હતો.

દરમિયાન ફાઉન્ડેશનના લોકોએ ઘાયલ કૂતરા માટે એમ્બ્યુલન્સ બોલાવી તો ડોકટરે વિરોધ કર્યો અને ડોક્ટરે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ આવી અને ડૉક્ટરનો પક્ષ લઈ પોલીસે પણ કૂતરાને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સને અટકાવી હતી જોકે, આ વાતની જાણ થતાંજ દિલ્હીથી મેનકા ગાંધીનો ફોન આવતા એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી હતી.

ત્યારબાદ ડોકટરની પત્ની પણ પોલીસ સ્ટેશને આવી ગઈ તેને થોડા પૈસા આપીને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો પણ ફાવી નહિ.

 હાલ શ્વાનની ડોગ હોમ ફાઉન્ડેશનમાં સારવાર ચાલી રહી છે.

શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જોગેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આરોપી ડોકટર વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમની કલમ 11 તેમજ IPCની કલમ 428 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

આ છે સજાની જોગવાઈ

IPCની ધારા 428, 429 અને PCA એક્ટની કલમ 11 અંતર્ગત સ્ટ્રીટ ડોગને મારવા, હેરાન કરવા દંડનીય ગુનો છે. સરકારની નીતિ અને એનિમલ બર્થ કંટ્રોલ 2011 અંતર્ગત આ ક્ષેત્રમાં આ સ્ટ્રીટ ડોગનો આતંક છે, ત્યાં તેમની નસબંધી કરી શકાય છે, પરંતુ મારી ન શકાય. જો કોઈ આ સ્ટ્રીટ ડોગ કે અન્ય પશુને પરેશાન કરે છે કે મારવાની કોશિશ કરે છે તો પશુ ક્રૂરતાનો કેસ પોલીસમાં નોંધાવી શકાય છે.

કલમ 428: પશુઓને મારવા અને ઝેર આપવા કે તેને અપંગ કરવાના કેસમાં બે વર્ષની જેલ કે દંડ તથા બંને સજા મળી શકે છે.

કલમ 429: પશુને મારી નાખવા, ઝેર આપવા કે અપંગ કરવાના કેસમાં પાંચ વર્ષની જેલ કે દંડ અથવા બંને સજા મળી શકે છે.

આમ, જાહેર માં રખડતા કૂતરા માટે પણ જોગવાઈ છે તેને મારવું તે અપરાધ છે.