સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત:

પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને આવતીકાલથી હેલ્મેટ વગર નો એન્ટ્રી, પોલીસે આજે જ ગુલાબ આપી જાગૃત કર્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીઓને આવતીકાલથી કલેકટર કચેરીમાં હેલ્મેટ વગર એન્ટ્રી નહીં મળે જેને લઇ પોલીસે આજે ગુલાબ આપીને સમજણ આપી છે. જોરાવર પેલેસ બહાર ગેટ પર આઇપીએસ, પીઆઈ,પી એસ આઇ સહિત પોલીસ કર્મીઓએ હેલ્મેટ વગર અને સીટબેલ્ટ વગર આવતીકાલથી કોર્ટ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સહિતની તમામ કચેરીઓમાં એન્ટ્રી નહીં મળે જેવી તાકીદ કરાવી હતી

પાલનપુર શહેરમાં સરકારી કર્મચારીઓ બાઈક તેમજ કાર ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય અને તેમનાથી આમ પ્રજાને પણ પ્રેરણા મળે તે માટે જોરાવર પેલેસમાં આવેલી સરકારી કચેરીઓમાં કર્મચારી બાઈક અને કાર ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજીયાત ઉપયોગ કરતા થાય તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા જોરાવર પેલેસ આગળ સરકારી કર્મચારી માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જોરાવર પેલેસમાં આવેલ વિવિધ કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓને આવતીકાલથી વાહન હંકારતી વખતે ફરજીયાત હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા ગુલાબના ફૂલ સાથે સૂચનાઓ આપી હતી અને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનો ઉપયોગ વગર વાહન લઇ આવતા કર્મચારીને જોરાવર પેલેસમાં પ્રવેશ નહિ આપવાની તાકીદ કરાઈ હતી