ધ્રાંગધ્રા શહેરમાં વર્ષોથી જીવદયા સાથે પ્રકૃતિ અને પ્રાણીઓ માટે કામ કરનાર હેમંતભાઈ દવેને સાંપ પકડવાના એક રેસ્ક્યુ દરમિયાન કોબ્રા સાંપ દ્વારા ડંખ વાગ્યો હતો.ધ્રાંગધ્રા પંથકમાં મેહુલો મન મૂકીને વરસી ગયો ત્યારબાદ શહેર અને ગ્રામ્યમાં સાંપ નીકળવાની બાબત સહજ બની છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં જીવદયા પ્રેમીઓ જયેશભાઇ ઝાલા, શિવાંશ મહેતા, ચંદ્રેશ રોય અને હેમંત દવે દ્વારા શહેર અને ગ્રામ્યમાં જુદી જુદી જગ્યાઓ ઉપરથી 10 ઝેરી સાંપોને પકડીને જંગલમાં છોડ્યા હતાં.સરવાળ ગામે કોબ્રા સાંપને પકડતી વખતે હેમંતભાઈ દવેને કોબ્રાએ વિષ દંશ કર્યો હતો. હાલ જીવદયા પ્રેમી શહેરની જિંદગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ગંભીર હાલતમાં છે અને આર્થિક સ્થિતિ નબળી હોવાથી પોતાના સમાજના સેવાભાવી યુવાન માટે બ્રહ્મ સમાજ આગળ આવ્યો છે અને સારવાર માટેનો તમામ ખર્ચ પોતે ઉપાડશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રસિદ્ધ ભવિષ્યકાર અંબાલાલ પટેલની રાજ્યમાં જગ્યાએ જગ્યાએ અગણિત સાંપો નીકળવાની વાત અને વિષ દંશની વાત પણ આ ઘટના બાદ ધ્રાંગધ્રામાં લોકચર્ચાનો વિષય બની હતી.