પાવીજેતપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ ઉમંગ સાથે થયેલી ઉજવણી
પાવીજેતપુર તાલુકાની વિવિધ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા સહિત પાવીજેતપુર તાલુકાની વિવિધ શાળાઓમાં યોગ વિશેના કાર્યક્રમો સતત અઠવાડિયાથી ચલાવવામાં આવ્યા હતા. બાળકો યોગનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં યોગ કરવાની આદત પાડે તે હેતુસર " યોગ ભગાડે રોગ " એ સૂત્રને સાર્થક કરવા માટે વિસ્તારથી બાળકોને સમજાવવામાં આવ્યા હતા. તેમજ આજરોજ પાવીજેતપુર તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકો તેમજ સમગ્ર સ્ટાફે સાથે મળી યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તાલુકાની સરકારી કચેરીઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકાની પાવીજેતપુર હાઇસ્કુલ, ભેંસાવહી હાઇસ્કુલ, સિથોલ હાઈસ્કુલ, ડુંગરવાંટ, ભીખાપુરા, કદવાલ હાઈસ્કૂલોમાં પણ યોગાસનો કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.