ડીસામાં રીક્ષામાં ફરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા બે શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે ચોરી કરનાર બે યુવકોને ચોરીના બાઈક સાથે ઝડપી લઈ ગુનામાં વપરાતી રીક્ષા પણ જપ્ત કરી અન્ય ચોરીઓના ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ આજે તપાસમાં હતી. તે સમયે બાઈક ચોરી કરનાર યુવકો રીક્ષા લઈને ફરતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તે દિશામાં ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ખાનગી રાહે વોચ ગોઠવી હતી અને તે સમયે શિવનગર વિસ્તારમાં રહેતો વિજયસિંહ સોલંકી અને ટેકરા વિસ્તારમાં રહેતો શેરસિંહ સોઢા શંકાસ્પદ હાલતમાં જણાતા તેમને ઉભા રખાવી પૂછપરછ કરતા બંને પડી ભાંગ્યા હતા.
જેથી પોલીસે આ બંને યુવકોની પૂછપરછ કરતા તેમણે બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરીની કબૂલાત કરતા જ શહેર ઉત્તર પોલીસે બંને યુવકોની અટકાયત કરી હતી. જ્યારે ચોરી કરેલા બાઈક અને ગુનામાં ઉપયોગમાં લેતા રીક્ષા જપ્ત કરી હતી. પોલીસે અત્યારે આ બંને યુવકોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અન્ય ચોરીના ગુનાઓ ઉકેલાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.