સખીમંડળના કારણે બહેનોને કોઈ સામે આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડતો નથી : દિપીકાબેન વસાવા

મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ થાય એ હેતુથી રાજ્ય સરકારે ગ્રામીણ ગરીબ કુટુંબોના મહિલા સ્વસહાય જૂથો સખીમંડળ સ્વરૂપે રચીને તેમને સંગઠિત અને પ્રશિક્ષિત કરી, સક્ષમ બનાવી, આર્થિક બચત પ્રવૃત્તિમાં પ્રેરિત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. રાજ્યની બહેનોને કૌશલ્યવર્ધનની તાલીમ પુરી પાડી તેમના માટે આર્થિક પ્રવૃત્તિ માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. સખી મંડળના માધ્યમથી મહિલાઓ પૂરક આવક અને બચત પ્રવૃત્તિઓ સાથે સંકળાય તે માટે તેમને રિવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ, માઇક્રો કેશ-ક્રેડિટની સુવિધા લેવા પ્રોત્સાહિત કરવાનો રાજ્ય સરકારનો ઉમદા ઉદ્દેશ રહેલો છે.

સુરતના ઉમરપાડા તાલુકાના પીનપુર ગામના દિપીકાબેન નારસિંગભાઈ વસાવા રાજ્ય સરકાર દ્વારા અમલી મિશન મંગલમ યોજના હેઠળ છેલ્લા ૭ વર્ષથી મહિલા સખી મંડળ સાથે જોડાયેલા છે, અને પોતાના પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે સાડીમાં સ્ટોન અને ટીકી લગાવવાનું કાર્ય અન્ય બહેનો સાથે કરી રહ્યા છે. ઉપરાંત, આંગણવાડી કેન્દ્ર પર ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને પોષણયુક્ત ભોજન બનાવી આપવાની કામગીરી પણ સંભાળે છે.

૨ દીકરીઓની માતા ૨૮ વર્ષીય દિપીકાબેને સખી મંડળ થકી પગભર બન્યા છે. છેલ્લા ૭ વર્ષથી સખીમંડળ સાથે સંકળાયેલા દિપીકાબેન જણાવે છે કે, “રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે કેટલીય બહેનોને પગભર થવાનો અવસર મળ્યો. જેના કારણે હવે બહેનોને કોઈ સામે આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડતો નથી. હવે સશક્ત બનેલી મહિલાઓ સખી મંડળોના માધ્યમથી અન્ય બહેનોને રોજગારી આપવા પોતાના હાથ ફેલાવે છે.’

વધુમાં તેઓ કહે છે કે, સખીમંડળમાં જોડાયા પહેલા અમારી બહેનોની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી, પરંતુ મંડળમાં જોડાયા પછી અમે પરિવારને આર્થિક ટેકો આપી શકીએ છીએ.

ભવિષ્યમાં દિપીકાબેન પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા ઘર બેઠા જ વધારાની આવક મેળવવા ઈચ્છે છે, અને ગામની બહેનોને પણ તેમાં જોડવા માંગે છે.