ખંભાત શહેરના પાલિકા પ્રમુખના વોર્ડ નંબર ૭માં છેલ્લા છ માસથી પીવાના પાણીમાં રહેતી અને ગંદકી આવતી હોવાનું રહીશોની ફરિયાદ ઉઠવા પામી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ન ધરાવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આગામી સાત દિવસમાં કોઈ પગલા નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે ખંભાત નગરપાલિકાના વાળંદવાડા વિસ્તારમાં પાલિકા પ્રમુખ ઘામીની બેન ગાંધી ચૂંટાયા હતા. તેમ છતાં તેમના વર્ડમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી પીવાના પાણીમાં રેતી અને ગંદકી આવતા રહીશોનો આરોગ્ય જોખમાયુ છે. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્રનું પેટનું પાણી હાલતું ન હોવાથી રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

આ અંગે લીલાબેન વાળંદે જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી વધુ વોર્ડ નંબર ૭માં વાળંદવાડામાં પીવાના પાણીમાં રહેતી અને ગંદકી આવતા અમારે રસોઈ તેમજ પીવા માટે દૈનિક ₹20 ખર્ચીને ૨ જગ બહારથી વેચાતું પાણી લાવવું પડે છે. પાણી પાછળ રૂપિયા ૧૨૦૦ ખર્ચ પોસાય તેમ નથી અમે મજૂરી કરીને જીવન ગુજારીએ છીએ. ચૂંટણી તારે નેતાઓ વોટ માંગવા આવે છે. પછી અમારી દયનીય સ્થિતિને જોવા પણ આવતા નથી.હવેથી અમે નેતાઓને અમારા વિસ્તારમાં પ્રવેશવા નહીં દઈએ.

(સલમાન પઠાણ-ખંભાત)