ડીસા બનાસ નદીના પુલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રસોડાનું કામ પતાવી જીપ ડાલામાં પરત આવી રહેલા સ્ટાફને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઇ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા હાઈવે પર ઉન્નતી પાર્કની બાજુમાં આનંદ બંગલોઝ ખાતે રહેતા સુરેશ પુરોહિત કેટરિંગનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના કેટરિંગ સ્ટાફ સાથે પેછડાલ ગામે રસોડું કરી જીપડાલામાં પરત આવતા હતા. ત્યારે બનાસ નદીના પુલ પાસે પાછળથી આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરવાની ટ્રક ચાલકે જીપડાલાને ટક્કર મારતા જીપડાલામાં બેઠેલ કાજલબેન પંચાલ, મહેરભાઈ રાવલ, રમેશભાઈ પુરોહિતને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ટક્કર વાગતા સુરેશભાઈએ ડાલું સાઈડમાં લઈ ટ્રક ચાલકને ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો.

અકસ્માતમાં સ્ટાફના ત્રણ માણસો સહિત સુરેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સુરેશભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.