પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામની સીમમાંથી બે દિવસથી ગુમ થયેલ સ્ત્રીની મળેલી લાશ : પતિ ઉપર હત્યાની શંકા

        પાવીજેતપુર નજીક આવેલ તારાપુર ગામની સીમમાંથી ઘુટીયા ગામની સ્ત્રી બે દિવસથી ગુમ થયેલ હોય જેની લાશ મોડી રાત્રે ૧૦ વાગ્યે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભાઈને હત્યામાં સગો બનેવી જ હોવાની શંકા જતા પોલીસ ફરિયાદ થવા પામી છે.

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર નજીક આવેલ કિકાવાડા ગામના ભલસીંગભાઇ રાઠવા ની પુત્રી મીનાબેન રાઠવા ના લગ્ન ૧૮ વર્ષ પૂર્વે સમાજના રીતી રિવાજ મુજબ ઘુટીયા ગામના રયજીભાઈ અનસિંગભાઇ રાઠવાના સાથે થયા હતા. ૩૦ એપ્રિલ ના રોજ રયજીભાઈ તથા મીનાબેન સાથે પાવીજેતપુર ગામે ગયા હતા. ત્યાર પછીથી મીનાબેન ગુમ થઈ ગયા હતા. જેની જાણ મીનાબેન ના ભાઈ ચંદુભાઈ ને સુરત મુકામે કરવામાં આવી હતી. તેથી ચંદુભાઈ ઘરે પરત આવી વધુ તપાસ કરતા જાણવા મળેલ કે રયજીભાઈ સાથે જ મીનાબેન ગયા હોય ને રયજીભાઈ ક્યારે આવીને ઘરમાં ઘૂસી ગયા હતા તે કોઈને જ ખબર હતી નહીં. રયજીભાઈની દીકરીને રયજીભાઈ અંગે પૂછતા તેણીની એ જણાવ્યું હતું કે કોઈએ રયજીભાઈ ને માર મારેલ હોય તથા પગના ભાગે દાઝેલ હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયેલ છે એવી હકીકત જાણવા મળી હતી. મીનાબેન ના પિયર પક્ષને

રયજીભાઈ ઉપર શંકા જતા પહેલી એપ્રિલના સાંજે ૬ વાગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં રયજીભાઈ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. 

          મીનાબેનની આજુબાજુ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ સમાચાર ન મળતા મીનાબેનના પિયર પક્ષ વાળા ઘરે જતા રહ્યા હતા. રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં જાણવા મળ્યું હતું કે એક સ્ત્રીની લાશ તારાપુર ગામની સીમમાં મળેલ છે ત્યાં જઈ જોતા બાટાના વાવેતર વાળા ખેતરમાં મીનાબેન ની લાશ જોવા મળી હતી.      

          આમ, મીનાબેન ૩૦ એપ્રિલ થી ૧ મે ના રાતના ૧૦ વાગ્યા સુધી માં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મીનાબેનની બંને આંખો ઉપર તથા ગળાના ભાગે દેખીતી ઈજાઓ પહોંચાડી મારી નાખી ફેંકી દીધેલ હોય, જે અંગે મીનાબેનના પિયરપક્ષ વાળાઓને જમાઈ રયજીભાઈ અનસિંગભાઈ રાઠવા ( રહે. ઘુટીયા,તા. પાવીજેતપુર ) ઉપર શંકા જતા પોલીસ ફરિયાદ થવા પામી છે. જે અંગે પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.